Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ, સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં વિજાપુર, તલોદ, માણસા, પ્રાંતિજ અને રાધનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.મહેસાણાના વિજાપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
ગુજરાતમાં પાંચમી સપ્ટેમ્બરના રોજ 207 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં છ ઈંચ, સાબરકાંઠાના તલોદમાં પાંચ ઈંચ, ગાંધીનગરના માણસામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પ્રાંતિજમાં ચાર ઇંચ, રાધનપુરમાં ચાર ઇંચ, હિંમતનગરમાં ચાર ઇંચ, મહેસાણામાં સાડા ત્રણ ઇંચ, ડીસામાં ત્રણ ઇંચ, આણંદમાં ત્રણ ઇંચ અને પાલનપુરમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે સવારે 6 થી આઠ સુધીમાં 49 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સવારે 6થી 8 વાગ્યા સુધી ગાંધીનગર અને ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 49 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારે 6થી 8 વાગ્યા સુધી ગાંધીનગરના માણસામાં 2.99 ઈંચ, દહેગામમાં 2.44 ઈંચ અને ખેડાના કપડવંજમાં 1.81 ઈંચ વરસાદ વરસી રહ્યો છે.
સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ નોંધાયો
જ્યારે રાજ્યના 58 તાલુકામાં અઢીથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જ્યારે 46 જેટલા તાલુકામાં બે ઈંચથી ઓક ઈંચની વચ્ચે વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં ઝોન વાઈઝ વરસાદમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોન 128 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 122 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન 116 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 104 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.