Gujarat માં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ વહેલી સવારની અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
રવિવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે
રવિવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. હાલ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ સર્જાઈ રહી નથી, એટલે કે લૉ-પ્રેશર એરિયા સર્જાય અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના નથી. જેથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.
ગુજરાતમાં સીઝનનો 68.98 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.98 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.72 ટકા, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.95 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.34 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 51.51 ટકાઅને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી 50.73 ટકા વરસાદ વરસયો છે.