Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ, આજે વહેલી સવારે અમદાવાદમાં ઝાપટા
![Rain in 93 talukas in last 24 hours in Gujarat, gusts in Ahmedabad early today](/wp-content/uploads/2024/10/Rain-in-93-talukas-in-last-24-hours-in-Gujarat-gusts-in-Ahmedabad-early-today.webp)
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ચોમાસાની વિદાય છતાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ ગુજરાતમાં દશેરાના દિવસે 24 કલાકમાં 93 તાલુકામાં મેઘમહેર થઈ હતી. સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં 3.1 ઈંચ વરસાદ ખાબક્યો છે. દશેરાના દિવસે જામનગર, જૂનાગઢ, રાજકોટ, ખેડામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.
જામનગરના કાલાવડમાં વરસાદ
દશેરાની મોડી સાંજે જામનગરના કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેમાં નીકાવા, આણંદપર, શિશાંગ, બેડિયા, ખડ ધોરાજી, નાના વડાલા, પાતા મેઘપરમાં વરસાદ વરસ્યો હતો. ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો, ત્યારે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ
દશેરના દિવસે સાંજના સમયે જૂનાગઢના વિસાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં રતાંગ સહિતના ગામોમાં આશરે બે ઈંચ કરતા વધુ વરસાદ વરસતા ખેતીને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢના માંગરોળમાં 1.38 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ
રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય પંથક રબારીકા, પીઠડીયા, વીરપુર, કાગવડ, મેવાસા, સરધારપૂર, પાંચપીપળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં અસહ્ય બફારામાંથી લોકોને મોટી રાહત મળી છે પણ અણધાર્યા વરસાદને લઈ ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
નવસારીના ગણદેવીમાં બે કલાકના બે ઈંચ વરસાદ
જ્યારે નવસારીના ગણદેવીમાં બે કલાકના સમયગાળામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં ખાબકેલા વરસાદમાં પોરબંદરના રાણાવાવમાં 21 મિમી જૂનાગઢના કેશોદમાં 21 મિમી, પોરબંદરમાં 20 મિમી, રાજકોટના જેતપુરમાં 19 મિમી, નવસારી શહેરમાં 15 મિમી, તાપીના સોનગઢ અને નવસારીના ખેરગામમાં 14-14 મિ.મી, રાજકોટના કોટડા સાંગણી અને સુરત શહેરમાં 13-13 મિમ. તેમજ જૂનાગઢના મેંદરડા અને અમરેલીમાં 10-10 મિમી વરસાદ વરસ્યો હતો.