રાજ્યમાં 70 તાલુકામાં મેઘમહેર; સરદાર સરોવર 50% ભરાયું! રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં આજથી વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. 15 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થશે. 12 અને 13 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.
સરદાર સરોવર ડેમમાં 49.27 ટકા જળસંગ્રહ
સ્ટેટ ઈમરન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, સરદાર સરોવર ડેમ 49.27 ટકા ભરાયેલો છે. રાજ્યના 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 56.43 ટકા ભરાયેલા છે. રાજ્યમાં 24 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 38 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યમાં કચ્છમાં અત્યાર સુધીમાં 57.22 ટકા, ઉત્તર ગુજરાતમાં 41.93 ટકા, પૂર્વ મધ્યમાં 45.65 ટકા, સૌરાષ્ટ્રમાં 46.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 52.09 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 47.54 ટકા વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
4 કલાકમાં 70 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6 થી સાંજના 8 સુધીની 14 કલાકમાં 70 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભાવનગરના ગારિયાધારમાં સૌથી વધુ 2.13 ઈંચ વરસાદ વરસ્યો હતો. શિહોરમાં 1.22 ઈંચ, સંખેડામાં 0.71 ઈંચ, ભાવનગરમાં 0.67 ઈંચ, બોડેલીમાં 0.47 ઈંચ તેમજ ગળતેશ્વર, લાખણી અને વલ્લભીપુરમાં 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના માત્ર બે તાલુકામાં જ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 61 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.