ઘરેથી સ્વેટર પહેરીને નીકળવું કે રેઇનકોટ? ઠંડીના ચમકારા વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી

એક તરફ ગુજરાતમાં વહેલી સવારે તથા મોડી રાત્રે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગે અલગ અલગ ભાગોમાં શુક્રવારથી આગામી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરી છે. માવઠું જો ખરેખર આવે તો શિયાળુ પાકના વાવેતરને ભારે નુકસાન પહોંચશે.

હવામાન ખાતાની આગાહી મુજબ 24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભવાના છે. 25 અને 26 નવેમ્બરે સમગ્ર રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદી માહોલ રહેશે. જયારે 27 નવેમ્બરે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમા કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ સહિત અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ વાદળો વચ્ચે અને વરસાદ માહોલ રહી શકે છે.

3 દિવસ માવઠાની અસર બાદ તાપમાન ફરી નીચું જશે અને રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માવઠાને પગલે સૌથી વધુ અસર ખેડૂતોને થવાનું છે.
