ચોમાસાએ વિદાય નથી લીધી! ગુજરાતમાં જામી શકે છે વરસાદી માહોલ, જાણો શું કહ્યું હવામાન વિભાગે
અમદાવાદઃ હાલ ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી દિવસોમાં કચ્છમાં વાતાવરણ શુષ્ક રહેશે. જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાની શકયતા છે. બીજીતરફ હવામાન નિષ્ણાતોએ રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન બની શકે છે અને તે થોડું મજબૂત થઈને લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ શકે છે.
છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદ:
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, જે હજુ કેટલાક સમય સુધી ચાલે તેવી સંભાવના છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. બે દિવસમાં સૌરાષ્ટ્ર રિજન માટે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે.
બંગાળની ખાડી હાલ સિસ્ટમ સક્રિય:
બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની રહી છે અને તે મધ્ય ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. જેના લીધે 17મી સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની હતી તે થઈ શકી નથી.
ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ:
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત 10મી જૂનના રોજથી થઈ હતી અને તે બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું. 22મી જૂન બાદ ફરીથી રાજ્યમાં ચોમાસું સક્રિય થયું હતું અને વરસાદ વધવા લાગ્યો હતો. જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ પણ થયુ હતું. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.