ખુદાબક્ષો પાસેથી ગુજરાતમાં રેલવેએ છ મહિનામાં 13 કરોડથી વધારે કમાણી કરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કાયદેસરના તમામ યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા અને રેલ ટ્રાફિકમાં અનધિકૃત વ્યક્તિઓને રોકવા અને મેલ,એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના કે અનિયમિત યાત્રીઓ પર નિયંત્રણ માટે. સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ઝુંબેશ સતત હાથ ધરવામાં આવે છે.
આ વર્ષે, ઓક્ટોબર 2023 ના બીજા સપ્તાહમાં, અમદાવાદ મંડળ દ્વારા 45 થી વધુ ટિકિટ ચેકિંગ કર્મચારીઓ, મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત આરપીએફ, જીઆરપી ની મદદથી મણિનગર નડિયાદ, અસારવા, દહેગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારે ટિકિટ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવેલ.મોટા પાયે કરવામાં આવેલ આ તપાસ દરમિયાન 7460 કેસ નોંધાયા હતા અને રૂ. 50.20 લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ, બુક ન કરાવેલા માલના કુલ 1.86 લાખ કેસ દ્વારા રુ.13.29 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.
રેલવે દ્વારા તમામ યાત્રીકોને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ યોગ્ય રેલવે ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા કરી શકશો.