ગુજરાતમાં વધુ બે સાઇટને રામસર સાઇટ જાહેર કરવા પ્રસ્તાવ, પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસ અંગે સેમિનાર-વર્કશોપ

ગાંધીનગર : ગુજરાતની વધુ બે સાઇટ ગોસાબારા-મોકર સાગર અને ફલેમીગો સિટી વેટલેન્ડને નવી રામસર સાઈટ જાહેર કરવા રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે GSWAની ત્રીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં વેટલેન્ડ્સનું ગ્રાઉન્ડ ટ્રુથિંગ અને ડિમાર્કેશન ગીર ફાઉન્ડેશન દ્વારા કરાશે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવી રામસર સાઇટ્સના પ્રસ્તાવો કેન્દ્ર સરકારને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પોરબંદરના ગોસાબારા–મોકરસાગર, કચ્છના છારી ઢાંઢ અને ફ્લેમિંગો સિટી વેટલેન્ડનો સમાવેશ થાય છે. જેમાંથી કચ્છના છારી ઢાંઢને તાજેતરમાં તા 31 જાન્યુઆરી 2026ના રોજ રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રથમવાર શહેરી વેટલેન્ડ્સની ઓળખ, તેનો શહેરી આયોજનમાં સમાવેશ અને વેટલેન્ડ અંગે જાગૃતિ વધારવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર
આ ઉપરાંત ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ- “ગીર” ફાઉન્ડેશન દ્વારા 01 અને 02 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે 08 માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર-કમ-વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર ખાતે યોજાનાર સેમિનારના બંને દિવસે વેટલેન્ડ સંબંધિત ટેક્નિકલ વર્કશોપ યોજાશે. જેમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને સરકારી અધિકારીઓ વેટલેન્ડ સંરક્ષણ સંબંધિત વિજ્ઞાન અને ક્ષેત્ર આધારિત અનુભવો એકબીજા સાથે શેર કરશે.
02 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસની ઉજવણી
વિશ્વભરમાં 02 ફેબ્રુઆરીએ “આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ- જળપ્લાવિત દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ બે દિવસીય સેમિનાર વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-૨૦૨૬ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ ” સાથે સંકળાયેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ જળપ્લાવિત વિસ્તાર,તેને આનુષંગિક પરંપરાગત જ્ઞાન અને સાંસ્કૃતિક વારસા વચ્ચેના આંતરસબંધોને સમજવાનો અને વધુ મજબૂત બનાવવાનો છે. સાથોસાથ પરંપરાગત તેમજ સ્થાનિક જ્ઞાનને જળપ્લાવિત વિસ્તારના સાતત્યપૂર્ણ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પણ સહભાગી બનાવવાનો છે. આ સેમિનાર થકી રાજ્યના વન વિભાગના અધિકારીઓ, વેટલેન્ડનું પરંપરાગત જ્ઞાન ધરાવતા નાગરીકો, યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ માટે ક્ષમતાવર્ધનનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડશે.

ગુજરાતનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ
નેશનલ વેટલેન્ડ એટલાસ 2021 SAC–ISRO મુજબ ગુજરાતનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ આવે છે. જે ભારતના કુલ વેટલેન્ડ વિસ્તારના 21.9 ટકા જ્યારે ગુજરાતના કુલ ભૂગોળીય વિસ્તારના 17.8 ટકા થાય છે એટલે જ જળપ્લાવિત વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે.
સમુદ્રી કાચબા, સમુદ્રી સ્તનધારીઓ અને અનેકવિધ પક્ષી પ્રજાતિઓનો સમાવેશ
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ એવો પોરબંદર જિલ્લો તેની સમૃદ્ધ અને વૈવિધ્યસભર પારિસ્થિતિકી માટે વિશેષ મહત્વ ધરાવે છે. પોરબંદર પક્ષી અભયારણ્ય અને ગોસાબારા–મોકરસાગર વેટલેન્ડ કોમ્પ્લેક્સ જેવા મહત્વપૂર્ણ જળપ્લાવિત વિસ્તાર સ્થાયી અને યાયાવર પક્ષીઓની વિશાળ સંખ્યાને સંરક્ષણ અને પોષણ પુરૂ પાડે છે. દરિયાકાંઠાનો વિસ્તાર, નદીના મુખ પ્રદેશો, ભરતી-ઓટનો વિસ્તાર, દરિયાઈ ભરતીના મેદાનો અને ખાડી જેવા વિસ્તારો સમૃદ્ધ જીવ વૈવિધ્ય ધરાવે છે, જેમાં સમુદ્રી કાચબા, સમુદ્રી સ્તનધારીઓ અને અનેકવિધ પક્ષી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
“ગીર” ફાઉન્ડેશન વેટલેન્ડ્સની નોડલ એજન્સી
ઉલ્લેખનીય છે કે, “ગીર” ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય માટે વેટલેન્ડ્સની નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. વર્ષ 2016 -17 થી અત્યાર સુધી સાત આંતરરાષ્ટ્રીય સેમિનાર-કમ-વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેટલેન્ડ્સની સૂચિ, મૂલ્યાંકન, મોનિટરિંગ, વન વિભાગ અને અન્ય સંસ્થાઓ માટે તાલીમ-ક્ષમતાવર્ધન, નીતિ આધાર, વૈજ્ઞાનિક માર્ગદર્શન તેમજ પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમો દ્વારા જાગૃતિ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.



