ભાર વિનાનું ભણતર હવે સાર્થક થશે, ગુજરાતમાં પ્રાથમિક શાળામાં દર શનિવારે વિદ્યાર્થીઓને બેગમાંથી મળશે મુક્તિ

અમદાવાદઃ નવી શિક્ષણ પોલિસીની રાજ્યમાં ધીમે ધીમે અમલ થઈ રહ્યો છે. આ પોલિસીનો એક નિયમ મુજબ, રાજ્યની પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે છે. જેનો અમલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં થશે.
દરેક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતા વધુ ધ્યાન ઈતર પ્રવૃત્તિ પર આપવામાં આવશે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આ નિયમ નવી શિક્ષણ પોલિસીમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ માટે પણ પગલાં લીધા છે. રાજ્ય સરકારે નીતિના વિવિધ પાસાઓને લાગુ કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે અને તબક્કાવાર રીતે અમલીકરણ કરી રહી છે. ખાસ કરીને પૂર્વ-પ્રાથમિક શિક્ષણમાં, ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમરસી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં પણ મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ સિસ્ટમ અને ક્રેડિટ ટ્રાન્સફર જેવી જોગવાઈઓ લાગુ કરવામાં આવી રહી છે. શિક્ષક તાલીમ અને ટેકનોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય શિક્ષણ પ્રણાલીને 21મી સદીની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારત સરકારે 29 જુલાઈ 2020 ના રોજ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી હતી.