Gujarat Politics: 30 વર્ષમાં કૉંગ્રેસના કેટલા ધારાસભ્ય અને સાંસદે પંજો છોડી કમળ પક્ડયું?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ પક્ષમાં નિષ્ક્રિય થઈ ગયેલા તથા પાર્ટીમાં રહીને ભાજપને મદદ કરતાં નેતાઓને હાંકી કાઢવા જણાવ્યું હતું. શુક્રવારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vibrant Gujarat Summit 2024માં કેટલા એમઓયુ થયા? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કૉંગ્રેસનું અધિવેશન યોજાશે. ગુજરાતમાં લગભગ 30 વર્ષથી સત્તા વિનાની કૉંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડ સક્રિય થયું છે. જોકે ગુજરાતમાં વાસ્તવિક સ્થિતિ કઈંક અલગ જ છે. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં 55 ધારાસભ્યો અને 12 સાસંદો પક્ષ પલટો કરીને ભાજપમાં ભળી ગયા છે. ગુજરાતમાં 25 ટકા કૉંગ્રેસીઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે, જ્યારે 35 વર્ષમાં 85 ટકા વિસ્તારમાં પક્ષ ગાયબ થઈ ગયો છે.

1990 પહેલા કૉંગ્રેસ પાસે વિધાનસભાથી પંચાયત-પાલિકામાં 80 ટકાથી વધુ સત્તા હતી. પરંતુ તે બાદ કૉંગ્રેસની માઠી બેઠી હોય તેમ ધીમે ધીમે પડતી શરૂ થઈ હતી. હાલ વિધાનસભામાં માત્ર 17 ધારાસભ્યો જ છે અને તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કારમો પરાજય થયો હતો. કૉંગ્રેસના 25 ટકા કરતાં વધુ નેતાઓ, કાર્યકર્તા અને આગેવાનોએ ભાજપનો ખેસ પહેરી લેતાં પક્ષ સતત તૂટતો ગયો હતો. હાલ ગુજરાતમાં કૉંગ્રેસ માત્ર હારવા માટે લડતી હોય તેવું જ ચિત્ર છે.
છેલ્લા 25 વર્ષમાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ભલે ભાજપનો ભવ્ય વિજય થયો હોય પરંતુ કૉંગ્રેસને 30 ટકા આસપાસ મત મળ્યા જ છે. મોદી લહેરમાં પણ કૉંગ્રેસનો વોટ શેર જળવાઈ રહ્યો છે. માત્ર 2022 વિધાનસભા ચૂંટણીમાં જ વોટશેર 30 ટકાથી નીચે ગયો હતો. 2024ની લોકસભા ચૂંટણીમાં ફરી કૉંગ્રેસનો વોટશેર 31.24 ટકા પર પહોંચ્યો હતો. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સીટ જીતીને ગુજરાતમાં ભાજપની હેટ્રિક રોકી હતી. જે બાદ કૉંગ્રેસને રાજ્યમાં ફરી બેઠી કરી શકાય છે તેમ લાગ્યું હતું. 2017ની વિધાનસભામાં કૉંગ્રેસ 77 સીટ જીત્યું હતું અને 2022માં માત્ર 17 બેઠક પર જ જીત મળી હતી. આ પછી કૉંગ્રેસના ટોચના નેતાઓ દ્વારા મનોમંથન શરૂ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે 1990 પહેલા કૉંગ્રેસના 9 મુખ્ય પ્રધાન બન્યા હતા. 35 જેટલા સાંસદોએ કેન્દ્રીય પ્રધાન પદ ભોગવ્યું હતું. પંરતુ તે બાદ કૉંગ્રેસની પડતી શરૂ થઈ હતી. 2024 લોકસભામાં બનાસકાંઠા સીટ જીત્યા બાદ કૉંગ્રેસને જીવતદાન મળ્યું હોય તેમ ફરી એક આશા ઉભી થઈ હતી.
ગુજરાતમાં આ કારણોથી કૉંગ્રેસ પડી નબળી
રાષ્ટ્રીય નેતાગીરી પર આધારઃ ગુજરાતમાં કૉંગ્રેસે કોઈપણ ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતાગીરી પર જ આધાર રાખવો પડે છે. જેના કારણે પાર્ટીના નેતાઓ સાથે ગાઢ ઘેરાબો ધરાવતાં લોકોની નજીકના કે પરિવારજનોને ટિકિટ મળે છે. જેના કારણે ખરેખર યોગ્યતા ધરાવતા ઉમેદવારોને મોકો મળતો નથી અને દર વખતે ચૂંટણી સમયે કકળાટ શરૂ થાય છે.
સ્થાનિક સ્તરે પ્રભાવશાળી નેતાનો અભાવઃ ગુજરાત કૉંગ્રેસમાં હાલ સ્થાનિક સ્તરે કોઈ પ્રભાવશાળી ચહેરો નથી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યસભા સાંસદ અને ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા વડગામના ધારાસભ્ચ જીગ્નેશ મેવાણી સિવાય કોઈ દમદાર ચહેરો નથી. ગેનીબેન વાવના ધારાસભ્ય હતા અને લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. વાવની પેટા ચૂંટણીમાં પણ ગેનીબેનનો જાદુ ચાલ્યો નહોતો અને ભાજપે બાજી મારી હતી.
પાયાના કાર્યકર્તાની ઉપેક્ષાઃ કૉંગ્રેસ દ્વારા મોટાભાગની ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવે છે. જેના કારણે ઘણા કૉંગ્રેસી કાર્યકરો નિષ્ક્રીય થઈ ગયા છે અને તેની અસર પરિણામ પર થાય છે.
આ પણ વાંચો : અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા ભારતે દાવેદારી કરી

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાઓના નામ પર એક નજર
નરહરિ અમીન, સ્વ. વિઠ્ઠલ રાદડીયા, લીલાઘર વાઘેલા, પરબત પટેલ, પૂનમ માડમ, દેવુસિંહ ચૌહાણ, રામસિંહ પરમાર, કુંવરજી બાવળીયા, રાઘવજી પટેલ, જવાહર ચાવડા, તેજશ્રીબેન પટેલ, બળવંતસિંહ રાજપૂત, મંગળ ગાવિત, અક્ષય પટેલ, જે વી કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતુ ચૌધરી, બ્રિજેશ મેરજા, જયરાજસિંહ જાડેજા, અશ્વિન કોટવાલ, કેવલ જોષીયારા, હાર્દિક પટેલ, શ્વેતા બ્રહ્મભટ્ટ, લવિંગજી ઠાકોર, અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર