તિરંગા યાત્રામાં ‘ગુજરાત પોલીસ’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ: ‘હર ઘર તિરંગા‘ અભિયાન અંતર્ગત આજે રાજકોટથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને નવી ઊર્જા સાથે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ટેબ્લોમાં ગુજરાત પોલીસની ત્રણ મુખ્ય થીમને પ્રાથમિકતા આપી આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે.

ડ્રગ્સ સામેનો અભિયાન: ‘નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે’, ‘Say no to Drugs‘ અવેરનેસ સ્લોગન સાથે ટેબ્લો મારફતે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતી બોટનું મોડેલ દર્શાવીને ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ચલાવવામાં આવતી કડક કાર્યવાહીને રજૂ કરવામાં આવી છે.
મહિલા અને બાળકોનું રક્ષણ, ગુનેગારોને કડક સજા: મહિલા અને બાળકો અંગેના પોકસોના ગુના બાબતે ગુજરાત પોલીસ અત્યંત સંવેદનશીલ છે. પોકસોના 42 કેસોમાં ગુનેગારોને આજીવન કેદ અને ફાંસી સુધીની કડક સજા થઈ છે. પોક્સો કાયદા હેઠળ ગુનેગારોને સખત સજા થાય છે તે દર્શાવવા માટે જેલનું મોડેલ બનાવવામાં આવ્યું છે. જેમાં એક આર્ટિસ્ટને કેદી તરીકે દર્શાવવામાં આવ્યો છે જે લોકોને આવા ગુના ન કરવા માટે પ્રેરે છે.
ત્રણ નવા ફોજદારી કાયદા: ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ફોજદારી કાયદાઓને પણ આ ટેબ્લોમાં સમાવવામાં આવ્યા છે જે દર્શાવે છે કે ગુજરાત પોલીસ આધુનિક કાયદાઓ મુજબ કામ કરી રહી છે. આ ટેબ્લો ગુજરાત પોલીસ નાગરિકોની સુરક્ષા માટે હરહંમેશ પ્રયત્નશીલ છે તે વાતનો સંદેશ આપે છે. ‘ગુજરાત પોલીસ’નો આ ટેબ્લો શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ટેબ્લો અન્ય ત્રણ મહાનગરો સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં પણ જોડાશે.