ચોરખાનામાં સંતાડી રાજકોટ લવાતી 108 કિલો ચાંદી સાથે ત્રણ ઝડપાયા

દાહોદઃ જિલ્લા પોલીસે આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કુરિયર કંપનીની ગાડીના ચોરખાનામાં સંતાડી લઈ જવાતી રૂ. 75 લાખની આશરે 108 કિલો ચાંદી અને 1.38 કરોડની રોકડ સહીત રૂ. 2.19 કરોડનો મુદ્દામાલ પકડી પાડયો હતો. પોલીસે ઉત્તર પ્રદેશના ચાલક સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. રોકડ રકમ અને ચાંદીનો જથ્થો રાજકોટ લઈ જવાતો હતો.
મધ્યપ્રદેશ-ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપરથી ઝડપાયો જથ્થો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશ-ગુજરાતને જોડતી ખંગેલા ચેકપોસ્ટ ઉપર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કુરિયર કંપનીની ગાડીને રોકી હતી. જેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચ ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી.
Also read: દાહોદમાં બંદુકની અણીએ 20 શખ્સોએ નવવધૂનું અપહરણ કરતા હાહાકાર
રોકડ રકમ ચૂંટણીમાં વહેંચવાની હતી?
પોલીસે ગાડીના ડ્રાઈવર વિરેન્દ્રકુમાર શર્મા (ઉ.વ.40, રહે. ઝાંસી, યુ.પી.), ડ્રાઈવરની બાજુમાં બેટેલા મનીષકુમાર ગુપ્તા (ઉ.વ. 45 રહે. ઝાંસી) અને ખેતીકામ કરતા રાજુ પટેલ (ઉં.વ.45 રહે. ઉનાવ, ઝાંસી)ની ધરપકડ કરી મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશન લવી ગુનો દાખલ કર્યો હતો. પોલીસને ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા રોકડ રકમનો ઉપયોગ થવાની શક્યતા જણાતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.