આપણું ગુજરાત

ગુજરાત પોલીસની સફળતા, Cyber Fraud કેસના 2.07 કરોડ રૂપિયા નાગરિકોને પરત કરાયા…

ગાંધીનગર : ગુજરાત(Gujarat)પોલીસના પ્રોજેક્ટ “તેરા તુજકો અર્પણ” અંતર્ગત આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યાલય ખાતેથી સાયબર ફ્રોડમાં(Cyber Fraud)નિર્દોષ નાગરિકોએ ગુમાવેલા નાણાં તેના મૂળ માલિકને પરત કર્યા છે. ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ફ્રોડમાં સામાન્ય નાગરિકોએ ગુમાવેલા નાણાં રિફંડ મેળવવામાં આવ્યા છે. આ નાણાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેક એપ્લિકેશન, બોગસ લિંક, ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેર ફ્રોડ તેમજ ઓટીપી ફ્રોડ જેવી અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી ગુજરાતના નાગરિકોએ ગુમાવ્યા હતા. સાયબર ઠગાઈનો શિકાર બનેલા આ 9 વ્યક્તિઓને આજે આ પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 2.07 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે.

ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે

રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલા પ્રોજેક્ટથી રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે. આ અંતર્ગત ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં ગુમાવેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની બિલ્ડીંગનો કાચ તૂટીને નીચે પટકાયો, જાનહાનિ નહીં…

લોક દરબારનું આયોજન

આ પ્રોજેક્ટ મુખ્ય ઉદ્દેશ પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર કે કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવાનો છે. આ પહેલનો હેતુ એ છે કે ફરિયાદીઓ અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોના સમય તેમજ શક્તિનો વ્યય ન થાય. આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમો અને લોક દરબારનું આયોજન કરીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસની લોકસેવા અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button