ગુજરાત પોલીસ ભરતી: PSI અને લોકરક્ષક શારીરિક કસોટીની તારીખ જાહેર, આજથી ડાઉનલોડ કરો કોલ લેટર

ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક કેડરની ભરતી અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 અન્વયે ઉમેદવારોની શારીરિક કસોટી આગામી ૨૧ જાન્યુઆરી ૨૦૨૬થી શરૂ થવા જઈ રહી છે. આ કસોટી માટેના કોલલેટર આજે બપોરે બે વાગ્યાથી ઓજસ (Ojas)ની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
તારીખ બદલવા માટે આટલું કરવું પડશે
આ સાથે જ ભરતી બોર્ડે શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ખાસ જોગવાઈઓ જાહેર કરી છે. જે ઉમેદવારોને પોતાના અથવા સગા ભાઈ-બહેનના લગ્ન હોય, અન્ય કોઈ સરકારી કે કોલેજની પરીક્ષા હોય, પરિવારમાં નજીકના સભ્યનું અવસાન થયું હોય અથવા ગંભીર બીમારી હોય તેવા કિસ્સામાં જ તારીખ બદલવા માટે અરજી કરી શકાશે.
આ માટે ઉમેદવારે રૂબરૂમાં ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત પોલીસ બોર્ડની કચેરીએ જરૂરી પુરાવા અને કોલલેટરની નકલ સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. ખાસ નોંધનીય છે કે, કસોટી શરૂ થવાના ૩ દિવસ પહેલા મળેલી અરજીઓ જ ગ્રાહ્ય રાખવામાં આવશે.
પહેલા PSI કે કોન્સ્ટેબલ માટે યોજાશે શારીરિક કસોટી?
કસોટીના સમયપત્રક મુજબ લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે માટે સૌથી પહેલા PSI અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભરનારા તેમ જ ફક્ત PSI કેડરના પુરૂષ ઉમેદવારોની કસોટી ૨૧ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે આ પ્રક્રિયા ૨૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી સુધી ચાલશે.
ફક્ત લોકરક્ષક કેડરના ઉમેદવારો માટે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન અલગ-અલગ તારીખોએ શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. માજી સૈનિકો માટે ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ કસોટી નક્કી કરવામાં આવી છે, જેમાં તારીખ ફેરફારની કોઈ અવકાશ રહેશે નહીં.
તારીખ બદલવા અંગેની મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોએ જૂના કોલલેટર સાથે જ નવી ફાળવેલી તારીખે હાજર રહેવાનું રહેશે, કોઈ નવો કોલલેટર ઇસ્યુ કરવામાં આવશે નહીં. જો કોઈ ઉમેદવારની અરજી નામંજૂર થાય, તો તેમણે મૂળ કોલ-લેટરમાં દર્શાવેલ તારીખે જ હાજર રહેવું પડશે. કસોટીની નિર્ધારિત તારીખ વીતી ગયા બાદ કોઈ પણ સંજોગોમાં ફેરફારની અરજી સ્વીકારવામાં આવશે નહીં.



