ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારો પાસ થયા?

ગાંધીનગરઃ ગુજરાતના લાખો યુવાનોના ‘ખાખી’ પહેરવાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરની કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ માટે સંપૂર્ણ પારદર્શકતા સાથે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યના ૧૫ નિર્ધારીત શહેરો અને SRP તાલીમ કેન્દ્રો ખાતે અંદાજે ૧૦ લાખથી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં અત્યાર સુધીમાં ૫૦,૩૮૩ ઉમેદવારો ઉતીર્ણ થયા છે.
આ આયોજન અંતર્ગત પુરૂષ ઉમેદવારો માટે ૧૧ ગ્રાઉન્ડ પર તા. ૧૩ માર્ચ, ૨૦૨૬ સુધી અને મહિલા તથા માજી સૈનિકો માટે ૪ ગ્રાઉન્ડ પર ૬ માર્ચ, ૨૦૨૬ સુધી કસોટીઓ યોજાશે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે તેમ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ જણાવ્યું હતું.
નીરજા ગોટરુએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ વખતની ભરતી પ્રક્રિયા માત્ર સંખ્યાબળની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ‘સંપૂર્ણ પારદર્શિતા’, ‘ઝીરો એરર’ અને ‘અદ્યતન ટેકનોલોજી’ ના ત્રિવેણી સંગમ તરીકે ઉભરી આવી છે. સંપૂર્ણ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં ઉમેદવારની પસંદગી માત્ર તેની ક્ષમતા અને મહેનતના આધારે જ કરવામાં આવે છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના યુવાનોને એક એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જ્યાં તેમને પોતાની મહેનત પર પૂરો ભરોસો રહે. છેવાડાનો યુવાન પણ પોતાની ક્ષમતાથી પોલીસ સેવામાં જોડાઈ શકે તે હેતુથી ભરતી પ્રક્રિયામાં ટેકનોલોજીને મહત્તમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ક્ષતિરહિત બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં, હાજર રહેનાર તમામ ઉમેદવારોનું બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ ગ્રાઉન્ડના રિયલ-ટાઇમ મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ આધુનિક સિસ્ટમ લાખો યુવાનોના વિશ્વાસને મજબૂત કરી રહી છે
RFID ટેકનોલોજી: શારીરિક કસોટીમાં દરેક સેકન્ડનો ચોકસાઈપૂર્વક હિસાબ રાખવા માટે ઉમેદવારોના પગમાં Radio Frequency Identification- RFID ચિપ લગાવવામાં આવે છે. જેનાથી દોડનો સમય ઓટોમેટિક સિસ્ટમમાં નોંધાય છે.
બાયોમેટ્રિક વેરિફિકેશન: કોઈ પણ ગેરરીતિ અટકાવવા માટે દરેક તબક્કે ઉમેદવારનું બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને ફેસ રેકગ્નિશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે.
CCTV સર્વેલન્સ: સમગ્ર ગ્રાઉન્ડ અને ભરતીના તમામ તબક્કાઓ CCTV સર્વેલન્સ હેઠળ કરવામાં આવે છે. દરેક ઉમેદવારની સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવે છે.
ડિજિટલ માપણી: ઊંચાઈ અને છાતી માપીને તેના ફોટો ઉમેદવારને કમ્પ્યુટરમાં બતાવવામાં આવે છે.
અપીલ બોર્ડ: જો કોઈ ઉમેદવારને અસંતોષ હોય, તો તેના નિરાકરણ માટે સ્થળ પર જ ‘અપીલ બોર્ડ’ પણ રાખવામાં આવ્યું છે. જેની સમક્ષ રજૂઆત કરી ઉમેદવાર પોતાના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકે છે.
અપીલ બોર્ડમાં એક એસ.પી કક્ષાના અધિકારી અને એક મેડિકલ ઓફિસર સહિત ચાર સભ્યો હોય છે. અપીલ બોર્ડમાં રજૂઆત થાય તો આ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પુન: ચકાસણી કરવામાં આવે છે.
ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ગ્રાઉન્ડ પર પીવાનું પાણી, ORS, 108 એમ્બ્યુલન્સ સહિતની મેડિકલ ટીમની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ટેકનોલોજીના માધ્યમથી આ પરીક્ષાના પરિણામો પણ સ્થળ પર જ જાણવા મળી જાય છે. તા.૨૨ થી ૨૯ જાન્યુઆરી સુધીમાં ૧,૮૭,૮૭૪ ઉમેદવારો બોલાવવામાં આવ્યા, ૧,૧૬,૦૭૫ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી તે પૈકી ૫૦,૩૮૩ ઉમેદવારો ઉતીર્ણ થયા છે.
સમગ્ર પ્રકિયાની ચુસ્ત સુરક્ષા અને દેખરેખ માટે દરેક ગ્રાઉન્ડના ઇન્ચાર્જ તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) અથવા પોલીસ અધિક્ષક (SP) કક્ષાના અધિકારી તથા તેમની મદદ માટે ૯૦થી વધુ પોલીસ સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ઉચ્ચ સ્તરીય સુપરવિઝન માટે DIGP/IGP કક્ષાના અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.



