સાવધાન રહેજો! લગ્ન સમારોહ પર ગઠીયાઓની નજર, આ રીતે કરે છે લાખોની ચોરી

અમદવાદ: લગ્નની સિઝન શરુ થઇ ગઈ છે, જેમને ત્યાં લગ્ન પ્રસંગ છે એ પરિવારો હાલ તૈયારીઓમાં વ્યસ્ત છે. એવામાં ગઠીયાઓ પણ તૈયારીઓ કરી રહ્યા છે, લગ્ન સમારોહ દરમિયાન ખાતર પાડવાની. તાજેતરમાં ગુજરાતમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગઠિયાઓએ લગન પ્રસંગમાં મોટી ચોરીને અંજામ આપ્યો હોય. જેને કારણે લગ્નનો આનંદ ખોરવાઈ ગયો હતો. ગઠીયાઓ મહેમાનોના વેશમાં સમારંભોમાં આવી ચડે છે, આ ઉપરાંત સાયબર ફ્રોડથી પણ લોકોને ફસાવે છે.
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ઝાકમઝોળ લગ્નો સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. જેને કારણે લગ્ન સિઝન દરમિયાન બહારના રાજ્યોમાંથી ટોળકીઓ આ શહેરોમાં આવે છે
વડોદરામાં ટોળકીએ હાથફેરો કર્યો છે:
તાજેતરમાં વડોદરામાં આયોજીત એક લગ્ન સમારોહમાં ગઠીયાઓની એક ટોળકીએ હાથફેરો કર્યો હતો. ટોળકીએ ઘરેણાં, કપડાં, ગીફ્ટ અને રોકડની ચોરી કરી હતી. કોઈને શંકા ના થાય એ માટે આ ટોળકી ચોરી કરવા માટે સગીરોને મોકલે છે. હાલ લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, પોલીસ પણ લગ્ન સમારંભ સમારોહ દરમિયાન થતી ચોરી અને લગ્નના નામે થતા સાયબર ફ્રોડ અંગે હાઈ એલર્ટ પર છે.
Also Read – ગુજરાતમાં દિવ્યાંગો માટે મોટી જાહેરાત, સંતસુરદાસ યોજનામાંથી આ જોગવાઈ કરવામાં આવી દુર
વડોદરા પોલીસે ચેતવણી જાહેર કરી:
આ મુદ્દે વાત કરતાં વડોદરા શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “ઇલાજ કરતાં નિવારણ કરવું વધુ સારું રહેશે. અમે એવી ગેંગની શોધી કાઢી છે જે લગ્નના સ્થળોમાં, ખાસ કરીને પાર્ટી પ્લોટમાં ઘૂસણખોરી કરવા માટે સગીર વયના બાળકોનો ઉપયોગ કરે છે. આવી ગેંગના સભ્યો પર દેખરેખ રાખવામાં આવી રહી છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે લગ્નની સિઝનમાં ઘણી ગેંગ તમિલનાડુથી ગુજરાત આવે છે, અમે તમિલનાડુ પોલીસ સાથે સંકલન કરી રહ્યા છીએ. સ્થળોએ ફેસ રેકગ્નિશન કેમેરા સિસ્ટમને અપરાધીઓની તસવીરો સાથે અપડેટ કરવામાં આવી રહી છે. અમે સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે, પાર્ટી પ્લોટના માલિકોને લેટેસ્ટ સીસીટીવી નેટવર્ક ઇન્સ્ટોલ કરવા કરવા અને પૂરતા સુરક્ષા સ્ટાફની ભરતી કરવા માટે નિર્દેશ આપ્યા છે.”
આ રીતે થાય છે સાઈબર ફ્રોડ:
લગ્ન સ્થળોએ ચોરી ઉપરાંત ગઠિયાઓ સાઈબર ફ્રોડના માધ્યમથી પણ લોકોને છેતરે છે. સાયબર ગઠિયાઓ લોકોને નકલી ઇન્વીટેશન કાર્ડ મોકલે છે અને જેમાં APK ફાઈલની લિંક હોય છે, જેના પર ક્લિક કરતાની સાથે જ લોકોની પર્સનલ ડિટેલ સાથે બેંક એકાઉન્ટની ડિટેલ પણ ચોરી થઇ જાય છે. ત્યાર બાદ નાણા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફરી દેવામાં આવે છે. આવા ફ્રોડને કારણે ઘણા લોકો લાખો રૂપિયા ગુમાવી ચુક્યા છે.
અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે 24 નવેમ્બરે X પર એક પોસ્ટ કરીને ચેતવણી જાહેર કરી હતી, પોસ્ટમાં લખવામાં આવ્યું કે “WhatsApp પર મોકલવામાં આવેલા લગ્નના ફેક કાર્ડ્સ બેંક એકાઉન્ટ્સ ખાલી કરી રહ્યા છે. આ APK ફાઇલો પર ક્લિક કરવાથી ડિવાઈસ હેક થઇ શકે છે અને આર્થીક નુકસાન થઇ શકે છે.”
અમદાવાદ પોલીસના અધિકારીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી, તેમણે કહ્યુકે, “વોટ્સએપ પર અજાણ્યા નંબરોથી આવતા લગ્નના આમંત્રણોથી સાવચેત રહો. આ APK ફાઇલો તમારો ફોન હેક કરી શકે છે અને મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.”