ગુજરાત પોલીસને મળ્યું 'ડીપ ટ્રેકર વ્હીકલ': પોલીસ હવે 'પાણી'માં પણ ક્રાઇમ સોલ્વ કરશે!

ગુજરાત પોલીસને મળ્યું ‘ડીપ ટ્રેકર વ્હીકલ’: પોલીસ હવે ‘પાણી’માં પણ ક્રાઇમ સોલ્વ કરશે!

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું હતું.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના નિર્દેશ હેઠળ, ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રૂ.૨.૮૦ કરોડના ખર્ચે બે અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’ ખરીદ્યા છે. આ બેમાંથી એક વ્હીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે.

આ મોસ્ટ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર ૨૦૦ મીટર સુધી ઊંડાણમાં જઈને સર્ચ, એવિડન્સ રિકવરી, ટ્રેક અને સર્વેલન્સ કરી શકે છે. આ વ્હીકલ ગુજરાત પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા પુરાવા (એવિડન્સ) રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે.

આ વ્હીકલનું સંચાલન ગુજરાત પોલીસના જ અધિકારી-કર્મચારીઓ કરે છે. આ માટે પોલીસ અધિકારી કર્મચારીઓએ ત્રણ-ત્રણ દિવસની ખાસ તાલીમ પણ મેળવી હતી.

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ‘ડીપ ટ્રેકર’ ટેકનોલોજીનો સફળ ઉપયોગ
તાજેતરમાં વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટનામાં, ગુજરાત પોલીસે આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં વડોદરા રૂરલ એસ.પી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ વડોદરા પોલીસની ખાસ તાલીમબદ્ધ ટીમે આ અદ્યતન ‘ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વિહિકલ’નો ઉપયોગ કર્યો હતો.

નદીમાં પાણી ડહોળું હતું, છતાં પણ આ વિહિકલે અદ્ભુત કામગીરી કરી હતી. તેની મદદથી પોલીસને પાણીના ઊંડાણમાં ડૂબી ગયેલા વાહનો અને અન્ય પુરાવાની શોધખોળ કરવામાં ઘણી મદદ મળી હતી. આ ઓપરેશન દરમિયાન, ‘ડીપ ટ્રેકર’ વ્હીકલના કેમેરા અને ગ્રેબર આર્મની મદદથી બાઇક અને તેના કેટલાક મહત્વના પાર્ટ્સ સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનાએ સાબિત કરી દીધું કે, આ ‘ડીપ ટ્રેકર’ વ્હીકલ પોલીસને માત્ર ગંભીર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન અને પુરાવા શોધવામાં જ નહીં, પરંતુ સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં જ પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

ડીપ ટ્રેકર વ્હીકલની વિશેષતાઓ

  • પાણીની અંદર ૨૦૦ મીટર સુધીની ઊંડાઈએ જઈ શકે છે.
  • સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા વિડીયો રેકોર્ડિંગ માટે અલ્ટ્રા હાઈ ડેફિનેશન (UHD) 4K કેમેરાથી સજ્જ.
  • નાઈટ ઓપરેશન માટે ૨૦૦૦ લ્યુમેનની શક્તિશાળી લાઈટ
  • ડહોળા પાણીમાં પણ ચોક્કસ ઓપરેશન કરવા માટે અત્યાધુનિક મલ્ટીબિમ SONAR (સાઉન્ડ એન્ડ નેવિગેશન રેન્જિંગ) ટેકનોલોજીનો ઉપયોગ.
  • ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવો અને ૧૦૦ કિલોનું વજન પકડીને બહાર કાઢી શકે તેવો ગ્રેબર આર્મ.

ડીપ ટ્રેકર વ્હીકલ પોલીસ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે

  • અંડરવોટર સર્ચ એન્ડ રિટ્રિવલ
  • પુરાવા (એવિડન્સ) સર્ચ એન્ડ રિકવરી
  • અંડરવોટર સર્વેલન્સ
  • અંડરવોટર ક્રાઈમ સીન ઇન્વેસ્ટિગેશન
  • પોસ્ટ ક્રાઇમ વીડિયોગ્રાફી

આ પણ વાંચો…કર્તવ્યનિષ્ઠાનું સન્માન: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 118 જવાનોને ચંદ્રકથી નવાજ્યા

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button