ખુદ અધિક ગૃહ સચિવે કબૂલ્યું કે ‘ગુજરાત પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ પણ લેતી નથી’

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે, રાજ્યમાં હત્યાસ દુષ્કર્મ, લૂંટ, છેડતી, ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ વધ્યા છે. સામાન્ય નાગરિકો એકબાજુ ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ, અસામાજિક તત્ત્વો મનફાવે તેમ જાહેરમાં ગુનાખોરીને અંજામ આપી રહ્યા હોય તેવા કિસ્સા બહાર આવે છે. રાજ્યની મનસ્વી પોલીસ પિડીત લોકોની ફરિયાદ પણ નોંધતી નથી. રાજ્ય સરકારે જ આડકતરી રીતે કબૂલી હતી.
પોલીસ ફરિયાદ ન લેતી હોવાની મુખ્યપ્રધાનને રજૂઆત તાજેતરમાં સ્વાગત (સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય ઍપ્લિકેશન ઑફ ટૅક્નોલૉજી) કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતી હોવાની મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ 27 ડિસેમ્બરે અધિક ગૃહ સચિવ એમ. કે. દાસે રાજ્યના તમામ પોલીસ કમિશ્નરો અને એસપીને ચાર ફકરાનો પત્ર લખીને ટકોર કરી હતી કે, ‘સામાન્ય માણસની ફરિયાદ નોંધો, તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો સામાન્ય લોકોની ફરિયાદ નહીં નોંધો, તો કડક કાર્યવાહી કરાશે.
ફરિયાદ માટે પોલીસને કરવી પડે છે આજીજી નાગરિકોને હાલ ફરિયાદ માટે પોલીસને અરજીઓ કરી આજીજી કરવી પડી રહી છે. પોતાના પોલીસ મથકમાં ગુનાખોરીનો આંક વધે નહિ એની દરકારમાં ફરિયાદ નહીં લેવાનો પોલીસ કાયમ આગ્રહ રાખતી હોય છે. ગુનેગારો અને અસામાજિક તત્ત્વોની હિંમત વધી રહી છે. ગુનાખોરીનો આંક ઓછો દર્શાવવા માટે કેટલાક કિસ્સામાં પોલીસ ફરિયાદ લેવા માટે ઉદાસીનતા દાખવે છે એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
Also read: ગુજરાત પોલીસના પાંચ ઘોડાના મોત, 28 ચેપગ્રસ્ત
અધિક મુખ્ય સચિવે પત્રમાં શું લખ્યું? અધિક મુખ્ય સચિવે પત્રમાં લખ્યું હતું કે, એફઆઈઆર ન નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતા સિનિયર પોલીસ અધિકારીઓના બિન-ગંભીર વલણ અંગે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાચા અરજદારોને હેરાન કરવામાં આવે છે, તેની ફરિયાદ વણઉકેલાયેલી રહે છે. તાજેતરના સ્વાગતમાં પણ, એવું જણાયું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની હિમાયત કરી રહ્યા હતા, જાણે કે તેઓ સાચા ફરિયાદીને બદલે અન્ય પક્ષનો બચાવ કરતા હોય. એફઆઈઆર નોંધવામાં હેતુપૂર્ણ વિલંબના કોઈપણ દાખલાને ગંભીરતાથી જોવામાં આવશે અને કડક પગલાં લેવાશે. અધિક ગૃહ સચિવના પત્ર બાદ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો પર કેટલું ધ્યાન આપવામાં આવે છે, તે તો નજીકના ભવિષ્યમાં જ જાણી શકાશે.