
ગાંધીનગર: ત્રણ વર્ષ પહેલા ડિસેમ્બર 2020 માં સુપ્રીમ કોર્ટે દેશના દરેક રાજ્ય અને કેન્દ્ર શાષિતપ્રદેશના પોલીસ વિભાગોને દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પરિસરમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો હતો. ગુજરાત પોલીસે હવે આ આદેશનો અમલ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2023માં બહાર પડેલા એક અખબારી અહેવાલ મુજબ ગુજરાત પોલીસે 7,327 સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જેમાંથી એ સમયે 7,160 કાર્યરત હતા. હવે તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતના 622 પોલીસ સ્ટેશનોમાં 7,354 કેમેરા લાગવવામાં આવ્યા છે. જોકે હવે પોલીસને જાણવા મળ્યું છે કે આ કેમેરા સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ મુજબના નથી. જેને કારણે ગુજરાત પોલીસ વિભાગે આ જૂના પ્રોજેક્ટને અધવચ્ચે જ છોડી દીધો છે. અને નવેસરથી કાર્યવાહી શરુ કરી છે.
એક અખબારી અહેવાલ મુજબ ગુજરાત પોલીસે, આ 7,354 કેમેરા ઇન્સ્ટોલ કર્યા પછી, સમજાયું કે આ સુપ્રિમ કોર્ટના આદેશમાં નિર્ધારિત ગુણવત્તા પ્રમાણે નથી. આના કારણે ગુજરાતના ગૃહ વિભાગને સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવા માટે હાલનો પ્રોજેક્ટ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો છે અને હવે નવેસરથી પ્રક્રિયા શરુ કરી છે.
2023 ના અંતમાં, 622 જૂના પોલીસ સ્ટેશનો, 130 શાખાઓ (LIB, LCB, SOG), અને 127 નવા પોલીસ સ્ટેશનો સહિત 879 પોલીસ પરિસરમાં 12,701 નવા CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા માટે નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ ટેન્ડર પ્રક્રિયા ટેકનિકલ મૂલ્યાંકનના તબક્કામાં છે જે પછી તે નાણાકીય મૂલ્યાંકનમાંથી પસાર થશે.
પ્રોજેકટની અંદાજે કિંમત અંદાજે રૂ. 391 કરોડ છે, ટેન્ડરમાં હાલના કેમેરા બાયબેક કરવાની શરત છે. નોંધનીય છે કે, આ કેમેરા અને મોનિટરિંગ સ્ટેશનો સ્થાપિત કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે, પરંતુ તેનાથી ગુજરાત પોલીસની કામગીરીમાં સુધારો થશે કે શું એ અંગે પ્રશ્ન છે.
NCRBના વર્ષ 2020, 2021 અને 2022 ના અહેવાલોમાં સળંગ ત્રણ વર્ષ ગુજરાત કસ્ટોડિયલ મૃત્યુની સંખ્યામાં ભારતમાં પ્રથમ ક્રમે રહ્યું હતું. 2024ના પ્રથમ મહિનામાં જ કસ્ટોડિયલ ટોર્ચરના બે કેસ નોંધાયા છે.
હજુ હાલમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 43 વર્ષીય હર્ષિલ જાદવના મૃત્યુ બાદ જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મુકેશ કે મકવાણા સામે 24 જાન્યુઆરીએ હત્યાનો ગુનો નોંધાયો હતો. હર્ષિલ જાદવ પર 11 અને 12 જાન્યુઆરી, 2024ના રોજ પોલીસ કસ્ટડીમાં કથિત રીતે ટોર્ચર કરવામાં આવ્યું હતું. PSI મકવાણા પર આરોપ છે કે તેણે જાદવ પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે ના આપતા તેને માર માર્યો હતો.
પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે કસ્ટોડિયલ ટોર્ચરના કેસ પર નજર રાખવા માટે સીસીટીવી ગોઠવી રહ્યા છીએ, જ્યારે અમે ભીડને નિયંત્રિત કરવા માટે ટીયર ગેસ, રબર બુલેટ્સ, વોટર કેનન અને ટેઝર ખરીદ્યા છે. લોકો અને પોલીસ વચ્ચે ગેરવર્તણૂક અને સંઘર્ષને રોકવા માટે, અમે 10,000 બોડી વર્ન કેમેરા પણ ખરીદ્યા છે.”