ગુજરાતમાં Cyber Crime ને રોકવા પોલીસે 14,669 ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા…
અમદાવાદઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમ( Cyber Crime)અને ડીજીટલ એરેસ્ટના બનાવો વધી રહ્યા છે. સાયબર અપરાધીઓ સોશિયલ નેટવર્કીંગ સાઈટનો ઉપયોગ કરીને નિર્દોશ લોકો સાથે છેતરપિંડી આચરે છે. અઠંગ ગુનેગારો નકલી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ સામાન્ય લોકોને છેતરવા માટે કરે છે. લોકોને છેતરવા માટે ગુનેગારો તેઓ સિનિયર અધિકારીઓ અને અગ્રણી વ્યક્તિઓ હોવાનો પણ ઢોંગ કરે છે.
આ પણ વાંચો : Ahmedabad ના દિવ્યાંગ ઓમ વ્યાસને રાષ્ટ્રપતિના હસ્તે બાળ પુરસ્કાર એનાયત, અસાધારણ સિદ્ધિઓ હાંસલ
જો કે રાજ્યના સાયબર ક્રાઈમ યુનિટે પણ આવા તત્વોના એન્ટિ’ સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવાનું શરૂ કર્યું છે. સાયબર ક્રાઈમ યુનિટે વર્ષ 2024માં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ 14,669 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કર્યા હતા. જેની સંખ્યા વર્ષ 2023માં બ્લોક કરાયેલા 4,319 એકાઉન્ટ્સ કરતાં લગભગ ચાર ગણી વધારે છે.
ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવે છે
આ મુદ્દે સાયબર ક્રાઈમના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ એક્સેસ માટે પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ સાથે ઘણી વખત ખોટી ઓળખનો ઉપયોગ કરીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવે છે, જેના કારણે ગુનેગારોને પકડવામાં મુશ્કેલી પડે છે. આ ગુનેગારો સામાન્ય રીતે જામતારા, ભરતપુર અથવા મેવાત જેવા દૂરના વિસ્તારોમાંથી કામ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એકાઉન્ટ્સનો અંત લાવવા માટે, અમે લગભગ 4,727 ફેસબુક એકાઉન્ટ્સ અને 9,942 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. આ 2023 માં બ્લોક કરાયેલા 4,319 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કરતાં લગભગ ચાર ગણું છે. વધુમાં, 2023 માં બ્લોક કરવામાં આવેલા 224 એકાઉન્ટ્સની તુલનામાં, આ વર્ષે લોન ઓફર કરતા અને લોકો પાસેથી પૈસા પડાવવાના 350 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે.
ગેંગના માસ્ટરમાઇન્ડ વિદેશથી ઓપરેટ કરી રહ્યા છે
તેમણે ઉમેર્યું હતું કે, ડિજિટલ એરેસ્ટ અને રોકાણની છેતરપિંડીના કેસ વધી રહ્યા છે. શહેરના વિવિધ સાયબર ક્રાઈમ યુનિટોએ કેટલાય વિદેશી નાગરિકોની ધરપકડ કરી હોવા છતાં આ ગેંગના માસ્ટરમાઇન્ડ વિદેશથી ઓપરેટ કરી રહ્યા છે. આવા સંજોગોમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરવું એ સૌથી અસરકારક વિકલ્પ છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડને ઓળખવા માટે અમે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) સાથે પણ જોડાણ કર્યું છે.
છ કલાકમાં આવા ગુનાની જાણ કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ
ગુજરાત સીઆઈડીની ભલામણોના આધારે, સાયબર અપરાધીઓ દ્વારા લોકોને છેતરવા માટે ઉપયોગમાં લેવાતા 3,000 થી વધુ સિમ કાર્ડ્સ બ્લોક કરવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 એ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો માટે પહેલા છ કલાકમાં આવા ગુનાની જાણ કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે, જેને ‘ગોલ્ડન અવર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળામાં અમે જેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેના બેંક ખાતાઓમાં પૈસા ફ્રીઝ કરી શકીએ છીએ.
આ પણ વાંચો : ..તો ગુજરાતની શાળાઓમાં મોબાઈલના વપરાશમાં સરકાર મૂકી શકે પ્રતિબંધ, જાણો કારણ?
ગુજરાતમાં તેના મોટાભાગના જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ ડિટેક્શન યુનિટ છે. આ ઉપરાંત, સાયબર નિષ્ણાતોની એક ટીમને સાયબર પેટ્રોલિંગ ટીમ બનાવવા માટે સોંપવામાં આવી છે, જે અસામાજિક પ્રવૃત્તિઓ અને નકલી સમાચાર ફેલાવવામાં સામેલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ઓળખવા માટે 24/7 ઇન્ટરનેટ પર નજર રાખે છે.