આપણું ગુજરાત

ખાખીનું સપનું થશે સાકાર! આ 5 સ્ટેપ્સ અપનાવો અને પોલીસ દોડમાં મેળવો ફુલ માર્ક્સ…

ગાંધીનગર: તાજેતરમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Bharti Board) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેકટર અને કોન્સ્ટેબલ સહિતની 13591 જગ્યાઓ પરની ભરતીની (Gujarat Police Bharti) જાહેરાત કરવામાં આવી છે અને આગામી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં શારીરિક કસોટી યોજવાની જાહેરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પોલીસની ભરતી બે તબક્કામાં લેવામાં આવે છે. ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડ એટલે કે શારીરિક કસોટી આપવાની રહેશે અને તેમાં ઉતીર્ણ થનાર ઉમેદવારને લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે. આથી શારીરિક કસોટી ખુબ જ મહત્વની બની રહે છે.

મહેનતની સાથે જરૂરી છે આયોજનબદ્ધ તૈયારી

પોલીસ ભરતીમાં શારીરિક કસોટી એટલે કે ‘દોડ’ સૌથી મહત્વનો પડકાર હોય છે. આ દોડમાં સફળતા મેળવવા માટે માત્ર સખત મહેનત જ નહીં, પરંતુ યોગ્ય સાધનો અને આયોજનબદ્ધ તૈયારી પણ એટલી જ જરૂરી બની રહે છે. રનિંગની શરૂઆત કરતા પહેલા યોગ્ય ‘રનિંગ શૂઝ’ની પસંદગી કરવી અત્યંત જરૂરી છે અને તે શૂઝ પહેરીને જ પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી દોડના દિવસે પગમાં તકલીફ ન પડે. આ સાથે શારીરિક હલનચલનમાં સરળતા રહે તેવા આરામદાયક કપડાંની પસંદગી કરવી જોઈએ કે જેથી સખત મહેનત માંગતી દોડ એકદમ સ્મુધ બની રહે છે.

દોડની પ્રેક્ટીસ પહેલા આટલું ધ્યાન રાખ્યો

તે ઉપરાંત દોડવાની શરૂઆત કરતા પહેલા શરીરને તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતોના મતે, કોઈપણ પ્રકારની દોડ શરૂ કરતા પહેલા ૧૦ થી ૧૫ મિનિટ સુધી વોર્મ-અપ અવશ્ય કરવું જોઈએ, જેથી સ્નાયુઓ ખેંચાઈ જવાની શક્યતા ઘટી જાય છે. જ્યારે તમે દોડની પ્રેક્ટીસની શરૂઆત કરી રહ્યા હોય, તે શરૂઆતના દિવસોમાં ધીમેથી દોડવાનું શરૂ કરીને સ્ટેમિના વધારવા પર ધ્યાન આપવું જોઈએ. સ્ટેમિના વધ્યા બાદ ‘ઇન્ટરવલ ટ્રેનિંગ’ એટલે કે થોડી વાર ઝડપી અને થોડી વાર ધીમે દોડવાની પદ્ધતિ અપનાવવી જોઈએ, જેનાથી ફેફસાની કાર્યક્ષમતા વધે છે. પ્રેક્ટિસ દરમિયાન હંમેશા સમય માપવો જોઈએ જેથી તમારી પ્રગતિનો ખ્યાલ આવશે.

દોડતી વખતે આટલું ધ્યાન રાખો

દોડતી વખતે તમારી ટેકનિક પણ સમય બચાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. દોડતી વખતે મોઢાને બદલે નાકથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરવો અને શ્વાસની એક લય જાળવી રાખવી જોઈએ. તેની સાથે સાથે દોડતી વખતે શરીર સહેજ આગળની તરફ નમેલું હોવું જોઈએ અને ખભા બિલકુલ ઢીલા રાખવા જોઈએ. બહુ મોટા કે બહુ નાના ડગલાં ભરવાને બદલે મધ્યમ કદના પગલાં ભરીને લયબદ્ધ રીતે ગતિ વધારવી એ સફળતાની ચાવી છે.

આહાર બાબતે ચીવટ રાખવી

શારીરિક તૈયારીની સાથે ખોરાક એટલે કે આહાર પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. ઉમેદવારોએ પોતાના ખોરાકમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ યુક્ત પૌષ્ટિક આહાર જેવા કે કેળાં, પલાળેલા ચણા અને અથવા ઈંડાનો સમાવેશ કરવો જોઈએ. શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે દિવસભર પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન જંક ફૂડ, તળેલું અને બહારનું ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.

માનસિક તૈયારી વિના નહી મળે સફળતા

અંતે એ ખાસ યાદ રાખવું જોઈએ કે કોઈપણ પરીક્ષામાં જીત મેળવવા માટે માનસિક તૈયારી સૌથી મહત્વની છે. દોડના છેલ્લા રાઉન્ડમાં જ્યારે થાક લાગતો હોય ત્યારે પૂરી તાકાત લગાવીને ‘સ્પ્રિન્ટ’ મારવાનો અભ્યાસ કરવો જોઈએ. અઠવાડિયામાં ૫-૬ દિવસ સખત મહેનત કર્યા પછી શરીરને રિકવરી માટે એક દિવસનો સંપૂર્ણ આરામ આપવો પણ એટલો જ જરૂરી છે. સ્નાયુઓના સમારકામ અને માનસિક તાજગી માટે દૈનિક ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખનાર ઉમેદવાર ચોક્કસપણે પોલીસ ભરતીની દોડમાં સફળતા મેળવી શકે છે.

(નોંધ: અહી આપવામાં આવેલી માહિતી માત્ર સૂચન છે, અનુસરતા પૂર્વે તબીબી સલાહ અવશ્ય લેવી. દોડ દરમિયાન થતી શારીરિક તકલીફ માટે ડોક્ટરની સલાહને અનુસરવી.)

આ પણ વાંચો…ગુજરાત પોલીસ ક્રાઈમ ડીટેન્શન અને કોમ્યુનિટી આઉટરીચમાં પણ અવ્વલ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button