દેશભરના રાજ્યોમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી ગુજરાતે બે વર્ષ પહેલા બનાવી અમલી-મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ સંગીન અને સુદ્રઢ કરવાનું પ્રેરક આહવાન “ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪”નો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા કર્યું હતું.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગમાં ભારતને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત પોતાનું યોગદાન આપવા તત્પર છે.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી (2022-2027) અને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી (2022-2028)ને અનુરૂપ ડોમેસ્ટિક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ તેમજ ભારત સરકારના સેમિકન્ડક્ટર પ્રોગ્રામને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવાનું છે.
વિકસિત ભારતના નિર્માણમાં આ સેમિકન્ડક્ટર સેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કોન્ફરન્સના આયોજનને રાઈટ જોબ એટ રાઇટ ટાઇમ ગણાવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, વિશ્વને આજે રિલાયેબલ અને ટ્રસ્ટેડ ચિપ સપ્લાય ચેઇનની જરૂરત છે. આ દિશામાં આગળ વધતા વડાપ્રધાનએ સેમિકન્ડક્ટર સેક્ટરમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું છે.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાનના સંકલ્પો અને વિઝનને પાર પાડવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતે દેશભરના રાજ્યોમાં સૌપ્રથમ રહીને 2022માં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી અમલી બનાવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 17 ‘શ્રમિક બસેરા’નું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું, 3 લાખ શ્રમિકને મળશે લાભ
ધોલેરા પણ પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવાનું છે અને રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં પ્લગ એન્ડ પ્લે સુવિધા વિકસાવી છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આવનારા થોડા સમયમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચિપ મેઇક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના પ્રતિક રૂપે ગુજરાતમાં નિર્માણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દેશમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇચ્છુક રોકાણકારોમાંથી 80 ટકાથી વધુ લોકો ગુજરાતમાં પોતાના યુનિટ્સ શરૂ કરવા ઉત્સુક છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા આવા ઉદ્યોગોને જરૂરી મદદ અને સહયોગ મળી રહે તેવી નેમ દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ લાભ યુવાઓને મળવાનો છે તેમ જણાવતાં કહ્યું કે, આ સેક્ટર અને તેને આનુષાંગિક સેક્ટર્સમાં કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટઅપ્સની નવી તકો અને અવસરો ખુલી રહ્યા છે.
ગુજરાત આ બધી વિશાળ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને સેમિકન્ડક્ટર સેક્ટરમાં હાઇટેક મેન પાવર તૈયાર કરવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી નીતિઓ પરિણામે ગુજરાત આજે ભારતના સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે જરૂરી તમામ સુવિધાઓ એક જ સ્થાને પૂરી પાડીને રાજ્ય સરકાર ધોલેરાને સેમિકોન હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને પરિપૂર્ણ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ માટે મેન્યુફેકચરીંગથી લઈને સેમિકન્ડક્ટર ઉદ્યોગ અનુરૂપ સ્કિલ્ડ મેનપાવર પૂરો પાડવા રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે વિવિધ એમઓયુ કરવામાં આવ્યા છે. માઇક્રોન જેવી પ્રતિષ્ઠિત કંપની પણ ગુજરાત સરકારના પ્રયાસોમાં સહભાગી થઈ છે. ગુજરાત સરકાર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ માટે જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા માટે કટિબદ્ધ છે, તેવો તેમણે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સચિવ એસ. ક્રિષ્નને જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિવિધ રોકાણમાં ખાસ સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
ઈન્ડિયન સેમિકન્ડક્ટર મિશન દ્વારા ઈકોસિસ્ટમને કેન્દ્ર સ્થાને રાખીને ચોક્કસ વિસ્તારોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિવિધ રોકાણ કરાવવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ડિયન સેમિક્ન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણ માટે અંદાજે ₹ 76,000 કરોડની સબસિડી જાહેર કરવામાં આવી છે તેમાં રાજ્ય સરકારો પણ પોતાનું પ્રદાન આપશે.ગુજરાત સેમિકન્ડક્ટર- ચિપ ઉત્પાદનમાં ભારતનું હબ બનાવવાની દિશામાં અગ્રેસર છે ત્યારે આ ક્ષેત્રે કુશળ અને બિન-કુશળ યુવાનોને વધુમાં વધુ રોજગાર ઉપલબ્ધ થાય તે માટે તાલીમ પણ આપવામાં આવી રહી છે.ગુજરાતમાં આયોજિત આ સેમિકનેક્ટ કોન્ફરન્સ આગામી સમયમાં સેમિક્ન્ડક્ટર ક્ષેત્રે નવા સંશોધન-રોકાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
માઇક્રોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરૂશરણ સિંઘે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવામાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યું છે.
ટાટા ઈલેક્ટ્રોનિક્સના સી.ઇ.ઓ. શ્રી રણધીર ઠાકુરે જણાવ્યું હતું કે, અમારી કંપની ગુજરાતના ધોલેરામાં ૧૧ બિલિયન અમેરિકન ડોલરના રોકાણ સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે, જે ગુજરાતના અંદાજે ૨૦,૦૦૦થી વધુ યુવાનોને રોજગારી આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ ધોલેરા ખાતે ભારતના પ્રથમ AI એનેબલ્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ ફેબની સ્થાપના કરશે.
આ કોન્ફરન્સમાં ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટના ચેરમેન અરૂણ મુરૂગપ્પને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન વિકસિત ભારત@2047 અને આત્મનિર્ભર ભારતને સાકાર કરવામાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર ખૂબ મહત્વનો ભાગ ભજવશે.
TECCના ડિરેક્ટર જનરલ હોમર ચંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય ખૂબ જ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ થકી ભારત અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વધુ તકો નિર્માણ થશે. આ કોન્ફરન્સમાં દિવસ દરમિયાન વિવિધ 8 થીમ આધારિત ટેકનિકલ સત્રો યોજાશે. જે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નિર્ણાયક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ કાર્યક્રમમાં નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે. પી. ગુપ્તા, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના એમ.ડી. મનિષ ગુરવાની, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉપરાંત સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ સાથે જોડાયેલ પ્રતિષ્ઠિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.