ગુજરાતમાં પીજી ડિપ્લોમામાં 40 સિટ ખાલીઃ નવા નિયમને જવાબદાર ગણાવે છે નિષ્ણાતો
સરકારી મેડિકલ કૉલેજમાં એડમિશન મેળવું લોખંડના ચણા ચાવવા કરતા પણ અઘરું કામ છે. લાખો વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા પાસ કરે તે બાદ ખૂબ જ મયાર્દિત બેઠક હોવાથી એક બહુ મોટા વર્ગને નિરાશ થવું પડે છે અથવા મસમોટી ફી આપી ખાનગી કૉલેજોમાં એડમિશન લેવું પડે છે.
આવી હાલત સ્નાતક સ્તરના કોર્સની છે તો અનુસ્નાતકમાં તો સ્વાભાવિક પણ ગળાકાપ સ્પર્ધા હોવાની જ. આવી સ્થિતિમાં ગુજરાતમાં મેડિકલ પીજીની 40 સિટ્સ ખાલી હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે.
આ બેઠકો રેડિયોલોજી, ઓર્થોપેડિક્સ, પેથોલોજી જેવી સૌથી વધારે માગ ધરાવતી શાખાઓમાં છે અને આનું કારણ નેશનલ મેડિકલ કાઉન્સિલ (એનએમસી)એ અધવચ્ચે બદલેલા નિયમને માનવામાં આવે છે. જોકે આ ચિત્ર માત્ર ગુજરાતનું નથી, પરંતુ બાકીના રાજ્યોમાં પણ સ્થિતિ આવી જ હોવાનું અહેવાલ જણાવે છે.
આજની તારીખે સમગ્ર દેશમાં પીજી મેડિકલ કોર્સની અંદાજિત 1500 સીટ ખાલી છે. તમિલનાડુમાં લગભગ 150 સીટ સીટ ખાલી છે. મેડિકલ એજ્યુકેશન સાથે જોડાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓલ ઈન્ડિયા ક્વોટામાં એડમિશનના ચાર રાઉન્ડ બાદ સિટ ખાલી રહે તે બાદ પણ એનએમસી તે બેઠકો રાજ્ય સરકારને એડમિશન માટે પાછી આપતું નથી. આમ કરવાનું કારણ એનએમસી એડમિશનના નામે થતી ગેરરીતિને રોકવાનું છે તેમ કહે છે, પરંતુ આનાથી ઘણી વિપરીત અસર થઈ રહી છે.
એક તો સરકારી કૉલેજોમા સિટ્સ ખાલી રહે છે તેથી વિદ્યાર્થીઓએ રૂ. 20 લાખથી માંડી દોઢ કરોડનો ખર્ચ કરવો પડે છે અને બીજી બાજુ પહેલેથી જ સ્પેશિયાલિટી ફેકલ્ટીની અસર હેઠળ દેશનું આરોગ્ય તંત્ર કામ કરી રહ્યું છે, જેમાં વધારે અછત ઉભી થાય છે.