આપણું ગુજરાત

ગુજરાતમાં Patang Mahotsavનું આયોજન, દેશ-વિદેશથી આવશે પતંગબાજો

ગાંધીનગર: ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે આ વર્ષે પણ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રવાસન વિભાગ 7 થી 14 જાન્યુઆરી, 2024 દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 7 જાન્યુઆરીના રોજ સવારે 8 કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024નું ઉદ્ઘાટન કરશે. અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં વલ્લભસદન પાસે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લેશે. વિવિધ આકારના પતંગો અમદાવાદના આકાશમાં ઉડતા જોવા મળશે.


આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024માં વિશેષ રીતે પતંગનો ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. રાજ્યના હસ્તકલાનાં કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજ વસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારના સ્ટોલ્સ અને પતંગ રસિકો માટે ખાણીપીણાના સ્ટોલ્સ પણ રાખવામાં આવશે. 7 થી 13 જાન્યુઆરી દરમિયાન દરરોજ સાંજે 7 થી રાત્રે 9 કલાક સુધી સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


અમદાવાદ ઉપરાંત વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button