Panchmahal માં ગૌવંશ તસ્કરીના કિસ્સા વધ્યા, પગલાં લેવા રહીશોની માંગ…
ગોધરાઃ પંચમહાલ(Panchmahal)જિલ્લામાં ગૌવંશની ગેરકાયદે હેરાફેરી તેમજ તસ્કરીની ઘટના વધી રહી છે. એક માસ પૂર્વે ગોધરા શહેરના કનેલાવ આશ્રમ પાસેથી ગૌ તસ્કરીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે વધુ એકવાર ગોધરા શહેરના બામરોલી રોડની દ્વારકા નગર સોસાયટીમાં આજે વહેલી સવારે એક ગૌ તસ્કરી કરતો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ પ્રશાસન ગૌ તસ્કરી કરતા તત્વોને ઝડપી ને કાયદેસરના પગલાં લે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે.
ગૌ તસ્કરીની ફરી વધુ એક ઘટના બની
ગોધરા શહેરમાં ફરી એક વખત બામરોલી રોડ વિસ્તારમાં આવેલી દ્વારકા નગર સોસાયટી ખાતે આજે વહેલી સવારે 4:24 મિનિટે એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં સવાર ચાર લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરી એક ગાયને ક્રૂરતાપૂર્વક ચારે બાજુથી પકડી અને ધક્કા મારી અને કારમાં લઈ જવાનો ગૌ તસ્કરીનો વીડિયો સીસીટીવીમાં કેદ થયો હતો. જોકે આજુબાજુના સ્થાનિક રહીશોએ બૂમાબૂમ કરવા છતાં પણ ગૌ તસ્કરી કરવા આવેલા ઈસમો કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ગાયને પકડી અને કારમાં લઈને ફરાર થઈ ગયા હતા.
તસ્કરો સામે ઝડપી પગલા ભરવા માંગ ઉઠી
પંચમહાલ જિલ્લામાં રોજબરોજ તેમજ અન્ય જગ્યાઓ પર ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી તેમજ તસ્કરીના બનાવો બની રહ્યા છે. ત્યારે ગૌભુમી ગણાતાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં જ ગાયોની ગેરકાયદેસર રીતે કતલ કરવાનાં ઇરાદે તસ્કરીનાં કિસ્સાઓ હાલના સમયે વધુ થઈ રહી છે. જિલ્લા પોલીસ પ્રશાસન આવા ગૌ તસ્કરી કરતા અસામાજિક તત્વોને ઝડપી પાડી અને કાયદેસરના પગલાં ભરવામાં માટે સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.