ગુજરાત: PAK માટે જાસૂસી કરવાનો આરોપી પોરબંદરમાંથી ઝડપાયો, નેવી અને કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી કરી રહ્યો હતો લીક

અમદાવાદ: ગુજરાત ATSએ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ જતીન ચારણીયા હોવાનું કહેવાય છે, જતીન પોરબંદરનો રહેવાસી છે અને તે વ્યવસાયે માછીમાર છે. મળતી માહિતી મુજબ, આરોપી જતિને ભારતીય કોસ્ટ ગાર્ડ અને નેવીના જહાજોની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલી હતી.
આરોપી જતીન પાકિસ્તાની ગુપ્તચર એજન્સીની એક મહિલાના સંપર્કમાં હતો, જેને તે ગુપ્ત માહિતી મોકલતો હતો. આરોપીનું વોટ્સએપ પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું. જતિને ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડ વિશે સંવેદનશીલ માહિતી આપી હતી. તે અલગ-અલગ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં હતો.

ગુજરાત એટીએસના DSP એસએલ ચૌધરીએ જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે પોરબંદરનો જતીન ચારણિયા નામનો માછીમાર પાકિસ્તાન સંચાલિત સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘અદ્વિકા પ્રિન્સ’ પર માહિતી મોકલી રહ્યો છે. એક ટીમે તેના સોશિયલ મીડિયા અને ફાઇનાન્સ પર નજર રાખી અને પુરાવા એકત્રિત કર્યા. ATSમાં આઈપીસીની કલમ 121 (કે) અને 120 (બી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Pakistan: POKમાં સ્થિતિ વણસી, મોંઘવારીથી ત્રસ્ત લોકો રસ્તાઓ પર ઉતર્યા
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાતની ગાંધીનગર CID ક્રાઈમ બ્રાન્ચે ભારતીય સેના વિશેની ગુપ્ત માહિતી પાકિસ્તાનને આપનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તેના પર ભારતીય સૈન્ય દળો દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઇલ અને ડ્રોન ટેક્નોલોજી વિશે પાકિસ્તાની એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી આપવાનો આરોપ હતો. ભારતીય નાગરિકને પાકિસ્તાની એજન્સીઓએ સોશિયલ મીડિયા દ્વારા હનીટ્રેપ કર્યો હતો. એવો દાવો કરવામાં આવી રહ્યો છે.CID ક્રાઈમ બ્રાન્ચ છેલ્લા એક મહિનાથી આ કેસની તપાસ કરી રહી હતી.