ભગવાન રામના રંગે રંગાયું ગુજરાત: અમદાવાદમાં શોભાયાત્રામાં હજારો લોકો ઉમટ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીના રોજ રામની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રામજી મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટ પણ મીની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ જામ્યો હતો. સોમવારે પણ શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યનાં ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રવિવારે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવનગર ખાતે આવેલા રામજી મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહિલાઓ માથા ઉપર કળશ લઈ અને શોભાયાત્રામાં જોડાઈ હતી.
અયોધ્યા ખાતે સોમવારે ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ અમદાવાદમાં વિવિધ મંદિરો, સોસાયટીઓ વગેરે જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જમાલપુર જગન્નાથ મંદિર ખાતે સવારે સુંદરકાંડ ત્યારબાદ બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જયઘોષ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આતશબાજી અને મહાઆરતી કરવામાં આવશે. સાંજના સમયે દીપોત્સવ યોજાશે. સ્વામિનારાયણ મંદિર ખાતે પણ સાંજના સમયે દીપોત્સવ, આરતી, વિશિષ્ટ પૂજા અને આતશબાજી પણ કરવામાં આવશે.
લાલ દરવાજા ભદ્રકાળી મંદિરમાં પણ ૨૨મીએ સવારે સુંદરકાંડનું આયોજન છે. ત્યારબાદ બપોરે ભવ્ય શોભાયાત્રા અને આરતી કરવામાં આવશે. જાહેર જનતા માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા રામ મંદિરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. ૨૨મીએ જ્યારે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ ચાલી રહી હશે ત્યારે ૧૦૮ કુંડી મારૂતિ યજ્ઞ અને મહાઆરતી થશે. એક લાખ ભક્તો માટે ભોજન પ્રસાદી બનાવવામાં આવશે.