Top Newsઆપણું ગુજરાત

મહારાષ્ટ્રને પછાડી ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’, જીએસટીની આવકમાં થયો તોતિંગ વધારો…

અમદાવાદઃ ગુજરાતમાં ફેક્ટરીની સંખ્યા વધી રહી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ફેક્ટરી ધરાવતું બીજા ક્રમનું રાજ્ય બન્યું હતું. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, રાજ્યમાં 2023-24 માં 33,311 નોંધાયેલ ફેક્ટરીઓ હતી, જે 2010-11 માં 21,282 હતી એટલે કે 13 વર્ષમાં લગભગ 56 ટકાનો વધારો થયો હતો. આ સાથે ગુજરાતે ફેક્ટરીની સંખ્યા બાબતે મહારાષ્ટ્રને પાછળ રાખ્યું હતું. તમિલનાડુ 40,121 ફેક્ટરીઓ સાથે આ યાદીમાં ટોચ પર છે, જ્યારે મહારાષ્ટ્ર 26,539 યુનિટ્સ સાથે ત્રીજા ક્રમે છે.

શા માટે ગુજરાત બન્યું ફેક્ટરી હબ

સૂત્રો મુજબ, આ પાછળનું કારણ ગુજરાતની ઔદ્યોગિત નીતિઓ, અવિરત વીજ પુરવઠો, કાર્યક્ષમ લોજિસ્ટિક્સ અને એમએસએમઈ-આધારિત ઔદ્યોગિક ક્લસ્ટર્સની ઝડપી વૃદ્ધિ છે. આ ઉપરાંત અમદાવાદ, સાણંદ, સુરત, વડોદરા, ભરૂચ, જામનગર, નરોડા, વટવા, નારોલ, ચાંગોદર-મોરૈયા, બાવળા, છત્રાલ અને કલોલ જેવા જિલ્લાઓ આને વેગ આપતા મુખ્ય ઉત્પાદન પટ્ટાઓ તરીકે ઉભરી આવ્યા છે.

જીએસટી આવકમાં પણ સતત વધારો

ઔદ્યોગિક એકમોમાં સતત વધારો રાજ્યના જીએસટી કલેક્શનમાં પણ જોવા મળ્યો હતો. જીએસટી કલેકશન છ વર્ષમાં લગભગ ત્રણ ગણું વધ્યું હતું. જીએસટી અમલના પ્રથમ વર્ષ 2017-18 (જુલાઈથી) માં ₹ 45,905 કરોડ હતું, જે વધીને 2023-24 માં ₹ 1,25,168 કરોડ થયું છે. કોરોના મહામારીના વર્ષને બાદ કરતાં જીએસટી આવક સતત વધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આવકમાં આ વધારો વધુ ઔપચારિકતા અને ટેક્સ ડિસિપ્લિનને દર્શાવે છે. જીએસટીએ વ્યવસાયોને પારદર્શિતા તરફ દોર્યા છે. કલેક્શનમાં ત્રણ ગણો વધારો આ ક્ષેત્રમાં થઈ રહેલો સુધારો સૂચવે છે. આ ઉપરાંત તેમણે કહ્યું, એમએસએમઈ હજુ પણ કેટલાક પડકારોનો સામનો કરી રહ્યા છે. હાલની સિસ્ટમના કારણે ઘણા નાના એકમોને માસિક ફાઇલિંગ, ડોક્યુમેંટેશન અને રિફંડમાં વિલંબ થાય છે. ઘણા માઇક્રો યુનિટ્સ હજી પણ ડિજિટલ ટેક્સ સિસ્ટમ સાથે અનુકૂલન સાધી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત હવે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ પાર્ક્સ, પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઝોન અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે તેના ઔદ્યોગિક વિસ્તરણના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યું છે. પોર્ટ-આધારિત વૃદ્ધિ અને સાણંદમાં ઓટો-એન્જિનિયરિંગ ઇકોસિસ્ટમ પણ ભવિષ્યમાં નવી ક્ષમતાને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button