ગુજરાતમાં શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે 1823થી વધુ પ્રોજેક્ટ્સને મંજૂરી…

અમદાવાદ: ગુજરાત સરકારે “અર્નિંગ વેલ, લિવિંગ વેલ”ના સંકલ્પ હેઠળ ગુજરાતના શહેરોને શ્રેષ્ઠ સુવિધાયુક્ત બનાવવા તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 2025ને “શહેરી વિકાસ વર્ષ” જાહેર કર્યું છે. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્ય સરકાર ટકાઉ શહેરી આયોજન અને વિકાસનું લક્ષ્ય ધરાવે છે.
કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી
ગુજરાત સરકાર શહેરોમાં વર્ષોથી પડેલા કચરાના વૈજ્ઞાનિક નિકાલ દ્વારા પર્યાવરણ સુરક્ષા, જાહેર આરોગ્ય અને શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. આ અંતર્ગત રાજ્ય સરકારે માર્ચ 2026 સુધીમાં રાજ્યના શહેરોમાં 100% લેગસી વેસ્ટનો નિકાલ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં કુલ 304.09 લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 281.802 લાખ મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવ્યો છે.
ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ (GVPs)ની ઓળખ કરીને તેના નિકાલનો લક્ષ્યાંક
આ ઉપરાંત, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા રૂપિયા 2,756 કરોડથી વધુના ખર્ચે 1823થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવશે. રાજ્યભરમાં શહેરોના જાહેર સ્થળોએથી ગંદકી અને અસ્વચ્છતા દૂર કરવા માટે 1,533 ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ (GVPs)ની ઓળખ કરીને તેના નિકાલનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ટકાઉ શહેરી આયોજન અને વિકાસને પ્રોત્સાહન આપતી આ દરેક પહેલ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



