આપણું ગુજરાત

Gujarat@out sourcing : એકાદ-બે વર્ષમાં એક પણ નગરપાલિકાઓમાં કાયમી કર્મચારી નહીં હોય

અમદાવાદઃ એકાદ વરસાદમાં અમદાવાદ જેવું શહેર કે સૌરાષ્ટ્રનું કોઈ ગામડું વેરવિખેર થઈ જાય છે, રોડ-ગટર-રસ્તા જેવી પાયાની સુવિધાના કોઈ ઠેકાણા નથી, નું એક કારણ એ છે કે મોટાભાગના મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ રોજમદાર અને છૂટક કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓ પર નભે છે. વિકાસના દાવાઓ વચ્ચે હકીકત તો એ છે કે છેલ્લા કેટલાય વખતથી નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. જેના કારણે આખુ પાલિકાનું તંત્ર રોજમદારોના સહારે ચાલી રહ્યુ છે. કાયમી કર્મચારીઓ ધીરે ધીરે નિવૃત થઈ રહ્યા છે. રોજમદારોને વર્ષોથી નોકરી કરવા છતાં કાયમી કરવામાં આવતા નથી. જો આવી જ રીતે ચાલતુ રહ્યુ તો એકાદ બે વર્ષમાં નગરપાલિકાઓમાં એકેય કાયમી કર્મચારી નહી હોય તેવી સ્થિતિ સર્જાશે તેમ ખુદ સરકારના અધિકારીઓ કહી રહ્યા છે.

ગુજરાતમાં નગરપાલિકામાં ઘણાં વખતથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. પરિણામે આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારીઓ પર પાલિકાનું તંત્ર ચાલી રહ્યુ છે. આ ઉપરાંત વર્ષોથી નોકરી કરતાં રોજમદારો હવે કાયમી નોકરી માટે કોર્ટનો દરવાજો ખટખટાવી રહ્યા છે. સરકારને પણ કાયદાકીય લડત માટે લાખોનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ બધીય મથામણ છતાંય સરકારને ભરતી કરવાનું સુઝતુ નથી. આજે મોટાભાગની પાલિકા રોજમદારોના સહારે છે. ઓફિસર તરીકે કરાર આધારિત નાયબ કલેક્ટર, મામલતદાર અને નાયબ મામલતદારની નિમણુંક કરવામાં આવી રહી છે. હવે આ મામલે વિરોધ થઈ રહ્યો છે. એવી માંગ ઉઠી છે કે, સાત વર્ષથી વધુ વર્ષના કાયમી કર્મચારીની ખાતાકીય પરીક્ષા લઈ ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ કરવી જોઇએ. વહીવટી અનુભવને કારણે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. કેટલીય પાલિકામાં ફાયર બ્રિગેડમાંય જગ્યાઓ ખાલી પડી છે. સ્વચ્છ ભારત મિશન એ પાલિકામાં વહીવટનો એક હિસ્સો બન્યો છે ત્યારે પાંચ વર્ષ પુરા થયાં હોય તેવા કર્મચારીને રેગ્યુલર પોસ્ટિંગ આપી કાયમી નોકરીના લાભ આપવા માંગ કરાઈ છે. આમ, નગરપાલિકા કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરીને નગરપાલિકાઓમાં તાકીદે ભરતી કરવા રજૂઆત કરી છે, તેમ એક અહેવાલ જણાવે છે.

આ પણ વાંચો : પ્રથમ વરસાદમાં જ મહાનગર અમદાવાદની મુશ્કેલીમાં વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં જ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈને આંદોલન શરૂ કરાયું હતું. જાણકારોના મતે, નાગરિકના જન્મથી મૃત્યુ સુધીની અને સરકારની વિવિધ સેવાઓ મહાનગરપાલિકા અને પંચાયતોની જેમ સમાન હોવા છતાં ભેદભાવ રખાઈ રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લઘુતમ મહેકમ પણ ઓછું અપાય છે અને વારંવાર જગ્યાઓ માટેનો સમયગાળો લંબાવવો પડે છે તે સ્થિતિમાં કાયમી ભરતી કરાઈ રહી નથી. સરકારને વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોની અવગણના થાય છે.

કાયમી કર્મચારીઓ-કામદારો હોય તો તેમની એક જવાબદારી બને છે અને સરકારનું તેમના પર નિયંત્રણ રહે છે. આ રીતે રોજમદાર તરીકે આવતા કમદારોને કોન્ટ્રાક્ટરોએ પણ રોજરોજ શોધવા જવા પડે છે અને શિસ્ત પણ જળવાતું નથી. ત્યારે જનતાની રોજબરોજની તમામ જરૂરિયાતો અને સુવિધાઓ સાચવવાની જવાબદારી જે પાલિકાઓ પર હોય છે, ત્યારે જો તે જ આઉટસોર્સિંગ પર નભે તો જનતાનું શું થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker