આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આવતીકાલે રાજ્યમાં ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ: રાત્રે બ્લેકઆઉટ અને SOUના કાર્યક્રમોના સમયમાં ફેરફાર…

અમદાવાદ: ગુજરાતના બે મહત્વના જિલ્લાઓ, દેવભૂમિ દ્વારકા અને ભરૂચ, આવતીકાલે, શુક્રવાર, ૩૧ મેના રોજ સિવિલ ડિફેન્સ દ્વારા આયોજિત ‘ઓપરેશન શિલ્ડ’ નામની મેગા મોકડ્રીલ માટે સજ્જ છે. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ કોઈપણ કટોકટીની સ્થિતિમાં તંત્રની સજ્જતા અને નાગરિક સુરક્ષાની તૈયારીઓ ચકાસવાનો છે.

દેવભૂમિ દ્વારકામાં સિવિલ ડિફેન્સની તૈયારીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનાર ખાતે સાંજે 5 કલાકે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલ દરમિયાન સુરક્ષા દળો અને સિવિલ ડિફેન્સના જવાનો સંભવિત આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓનું પ્રદર્શન કરશે. મોકડ્રીલના ભાગરૂપે, રાત્રે 7:45 થી 8:30 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવામાં આવશે. આ બ્લેકઆઉટનો હેતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં અથવા કટોકટીમાં વીજળી ગુલ થવાની સ્થિતિમાં તંત્ર અને નાગરિકો કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેની ચકાસણી કરવાનો છે.

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા પર ભાર
ભરૂચ જિલ્લામાં પણ સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ યોજાશે. ભરૂચ તેના ઔદ્યોગિક સંકુલો માટે જાણીતું હોવાથી, આ મોકડ્રીલ LNG PETRONET દહેજ, CISF UNIT – અંકલેશ્વર તેમજ NTPC ઝનોર જેવા સંવેદનશીલ સ્થળો પર કેન્દ્રિત રહેશે. આ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અને કટોકટી વ્યવસ્થાપન પ્રણાલીની ચકાસણી કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમોના સમયમાં ફેરફાર
આ મોકડ્રીલના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતેના દૈનિક કાર્યક્રમોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે, SOUમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો સામાન્ય સમય કરતાં વહેલો, રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે નર્મદા આરતી ૮:૪૫ વાગ્યે યોજાશે. મુલાકાતીઓને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને SOUની મુલાકાત લેવા વિનંતી કરવામાં આવી છે. આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય સંભવિત જોખમો સામે જિલ્લાઓની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાનો અને કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે તંત્રને સજ્જ કરવાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button