ડુંગળીની ખેતીના કારણે ખેડૂતો પાયમાલ! રાજ્ય સરકાર કરી શકે છે સહાયની જાહેરાત…

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડૂતોને આ વર્ષે ડુંગળીના પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતો અત્યારે ડુંગળીનો જેટલો ભાવ મળી રહ્યો છે, તેના કરતા તો વધારે ખર્ચ વાવણીમાં થયો છે. જે ખેડૂતોએ આ વર્ષે ડુંગળીનું વાવેતર કર્યું હતુ, તેઓ પાયમાલ થયા છે. 2024માં ડુંગળીનો ભાવ પ્રતિ કિલોએ 100થી 150 રૂપિયા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ દેશ વિદેશમાં ડુંગળીની વધી રહેલા માંગના કારણે આ વર્ષે ખેડૂતો વધારે પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. આ વર્ષે ડુંગળીના વાવેતરમાં 25 ટકાનો વધારો થયો હતો. પરંતુ સામે ખેડૂતોને વાવેતર પ્રમાણે ભાવ મળ્યાં નથી.

ભાવ ના મળતા મોટા ભાગના ખેડૂતોએ ડુંગળી ફેંકી દીધી
ગત વર્ષે જે ભાવ 100થી 150 રૂપિયા હતો તેમાં ધરખમ ઘટાડો થયો છે. કારણ કે, આ વર્ષે ડુંગળીના ભાવ સાવ તળિયાઝાટક પ્રતિ કિલોએ માત્ર 1 થી 3 રૂપિયા મળે છે. સ્વાભાવિક છે કે, આના કરતા ખેડૂતોને વાવણી પાછળ ખર્ચ વધારે થયો છે. મોટા ભાગના ખેડૂતોએ પોતાની ડુંગળી ફેકી દીધી હતી. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. આ મામલે રાજ્ય સરકારના અનેક વિભાગમાં ચર્ચાઓ ચાલી રહી છે. જેથી આગામી થોડા દિવસોમાં ખેડૂતોને ડુંગળીનું વળતર આપવામાં આવી શકે છે. જો કે, તેની સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામા નથી આવી.
આ વર્ષે ઉત્પાદનમાં 8 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો
વાવણીના આંકડાની વાત કરવામાં આવે તો, ગત વર્ષે ડુંગળીનું ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન થયું હતું તેમાં આ વર્ષે કુલ 8 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. એટલે કે આ વર્ષે ડુંગળીનું 29 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. આ વર્ષે ખેડૂતોએ કુલ 1.10 લાખ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ડુંગળીના વાત કરવામાં આવે તો, રાજ્યમાં 40 ટકા ડુંગળી બ્રાઉન અને 60 ટકા ધોળી ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. જો કે, આ વર્ષે સારો ભાવ ના મળતા ખેડૂતોમાં નિરાષા વ્યાપી હતી. પરંતુ જો સરકાર દ્વારા સહાય કરવામાં આવશે તો ખેડૂતોને રાહત મળી શકે છે.
આપણ વાંચો : ખેડૂતોને મોટી રાહત: ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સૌરાષ્ટ્રના ચેકડેમો નર્મદા જળથી છલકાશે