Top Newsઆપણું ગુજરાત

આ વખતે કેરી મોડી ખાવા મળશે?: કમોસમી વરસાદે આંબાને પણ કર્યું નુકસાન…

અમદાવાદઃ ગુજરાતમાં ઑક્ટોબર મહિનામાં પરસેવાની બદલે વરસાદથી લોકો ભીંજાયા હતા અને સૌરાષ્ટ્ર સહિત વિવિધ જિલ્લામાં ખેડૂતોને ભાર નુકસાન થયું છે. મબલખ ખેતપેદાશો પાણીમાં ધોવાઈ ગઈ. લાખો હેક્ટરના ઊભા પાક ધોવાઈ ગયા છે. મગફળી, કપાસ, સોયાબિન સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે, પણ આ બધા સાથે ફળોના રાજા કહેવાતી કેરીના આંબાને પણ નુકસાન થયું છે.

ખાસ કરીને જૂનાગઢ, ગીર-સોમનાથમાં છેલ્લા બે અઠવાડિયામાં ભારે વરસાદ વરસી ગયો છે. આને લીધે આંબાનો રેસ્ટિંગ પિરિયડ અવરોધાયો છે. આ સમય દરમિયાન આંબાને પાણી મળવાથી તે લીલાછમ તો થઈ ગયા છે, પરંતુ તેમાં ફ્લાવરિંગની પ્રોસેસ (મોર આવવાની પ્રક્રિયા) મોડી થશે, તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ડીન ડી.કે. વરુએ મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે નવેમ્બર, ડિસેમ્બરમાં મોર આવવાની શરૂઆત થાય છે. જે કમોસમી વરસાદને લીધે મોડું શરૂ થશે અને થોડું ઓછુ રહે તેવી સંભાવના છે. મોર મોડા આવવાથી કેરી બજારમાં મોડી આવે તેવી સંભાવના છે, પરંતુ કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના હાલમાં ઓછી જણાય છે.

આ સાથે આંબામાં ફ્લાવરિંગની પ્રોસેસ શરૂ થાય ત્યારે દિવસ અને રાતના તપામાન પર વધારે ફરક હોવો જોઈએ નહીં. જો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ઠંડી યોગ્ય પ્રમાણમાં પડશે અને દિવસ-રાતનું તાપમાન યોગ્ય રીતે જળવાઈ રહેશે, તો કેરીનો પાક ઓછો થવાની શક્યતા ઘણી ઓછી કહી શકાય. જોકે તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ચિત્ર સ્પષ્ટ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ કેરીનો પાક ઓછો આવ્યો હતો અને કેરીની બાગાયતી કરતા ખેડૂતોએ ભારે નુકસાન વહોર્યું હતું. આ વર્ષે પણ આવી સ્થિતિ ન સર્જાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો…માવઠાના કારણે વધુ એક ખેડૂતનો આપઘાત: પાક નિષ્ફળ જતાં દીકરીઓના લગ્ન અને દેવાની ચિંતામાં જીવન ટૂંકાવ્યું

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button