Gujarat માં એકિ્ટવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો, ટર્ન ઓવર 11.50 ટકા ઘટ્યું

અમદાવાદઃ શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલના કારણે રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગી રહ્યો છે. રોકાણકારો હવે માર્કેટથી દૂર થઈ રહ્યા હોય તેમ ગુજરાતમાં(Gujarat)એકટીવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં 25 ટકાનો ઘટાડો થયો છે. જાન્યુઆરીમાં ગુજરાતના ઈન્વેસ્ટરોનું ટર્નઓવર 1.6 લાખ કરોડ હતું. જે ડીસેમ્બરની સરખામણીએ 11.50 ટકા ઓછુ હતું.
નેશનલ સ્ટોક એક્સચેન્જના રીપોર્ટ પ્રમાણે શેરમાર્કેટમાં ઈન્વેસ્ટરોની ભાગીદારીની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. મહિનામાં ઓછામાં ઓછો એક વખત સોદો કરનારાની સંખ્યામાં 24.6 ટકાનો ઘટાડો છે. માર્કેટના તજજ્ઞોના મત પ્રમાણે આ પાછળનું કારણ બજારમાં વધી રહેલી અસ્થિરતા અને મંદીને કારણે રીટેલ ઈન્વેસ્ટરોમાં ભય ફેલાયો હોવાનું હોઈ શકે છે.
આ પણ વાંચો: વર્ષ 2024માં ગુજરાત શેરબજારમાં એક્ટિવ ઈન્વેસ્ટરોની સંખ્યામાં દેશમાં નંબર વન
સ્મોલકેપ કેટેગરીમાં 60 ટકા સુધીનું ધોવાણ
શેરમાર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોના કાળ બાદ પ્રથમ વખત માર્કેટમાં દાખલ થયેલા નવા યુવાન ઈન્વેસ્ટરોનો મોટા પ્રમાણમાં પ્રવેશ થયો હતો. આ ઈન્વેસ્ટરોએ ક્યારેય મંદીનો અનુભવ કર્યો નહોતો. જેથી તેઓ વર્તમાન સમયમાં ચાલી રહેલી સળંગ મંદીને કારણે આઘાત પામે તે સ્વાભાવિક છે. હાલમાં માર્કેટમાં મીડકેપ અને સ્મોલકેપ કેટેગરીમાં 60 ટકા સુધીનું ધોવાણ છે અને તેમાં નાના ઈન્વેસ્ટરો ફસાઈ ગયાં છે.
જાન્યુઆરીમાં કેશ માર્કેટમાં સૌથી વધુ ટર્નઓવર ધરાવતા રાજયોમાં ગુજરાત તથા મહારાષ્ટ્રનો દબદબો હતો. મહારાષ્ટ્રનાં ઈન્વેસ્ટરોનું ટર્નઓવર 2.7 લાખ કરોડ તથા ગુજરાતનું 1.6 લાખ કરોડ હતું. સૌથી વધુ માસીક ટર્નઓવર ધરાવતા ટોપ-10 રાજયોમાંથી કર્ણાટક સિવાયના તમામ રાજયોનાં ટર્નઓવરમાં ઘટાડો છે. જેમાં સૌથી વધુ 11.5 ટકા ગુજરાતનું ઘટયુ છે.
દેશભરમાં રીટેઈલ ઈન્વેસ્ટરોની ભાગીદારીમાં ઘટાડો
મહારાષ્ટ્ર તથા ગુજરાતનું સંયુકત ટર્નઓવર 30 ટકા થવા જાય છે. તેમાં મહારાષ્ટ્રનું 18.9 ટકા તથા ગુજરાતનું 10.8 ટકા હોય છે. દેશભરમાં રીટેઈલ ઈન્વેસ્ટરોની ભાગીદારીમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રમાં 24.1 લાખ વ્યકિતગત ઈન્વેસ્ટરો ઘટયા છે. ગુજરાતમાં 16 લાખ તથા ઉતર પ્રદેશમાં આ સંખ્યા 13.1 લાખની છે. ગુજરાતમાં એકટીવ ટ્રેડરોની સંખ્યામાં સૌથી વધુ 24.6 ટકાનો ઘટાડો થયો છે.