Gujarat: હવે મુંબઈની જેમ અમદાવાદમાં ડબલ ડેકર AC બસ દોડશે
અમદાવાદઃ અમદાવાદમાં જાહેર પરિવહન માટે એમએમટીએસ અને બીઆરટીએસ બસની સેવા છે. જોક શહેરમાં મોટા પ્રમાણમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર દોડતા હોવાથી ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરતી જાય છે. અમદાવાદમાં AMTSનું વર્ષ 2024-25નું રૂ.641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં દૈનિક 1020 બસ દોડાવવાનું આયોજન છે. તથા વધુ મુસાફરો ધરાવતા રૂટ પર 7 ડબલ ડેકર AC બસ દોડાવવામાં આવશે. મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.
1020માંથી 895 બસ ખાનગી ઓપરેટરની છે. જેમાં MP, MLA ગ્રાન્ટમાંથી 300 બસ શેલ્ટર બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે મીની CNG AC બસને પોઇન્ટ ટુ પોઇન્ટ દોડાવવાનું આયોજન છે.
પ્રવાસીઓને માહિતી આપવા દરેક ટર્મિનલ્સ પર ક્યુઆરકોડ મુકવામાં આવશે. મુસાફરોની સુવિધાઓ માટેની વિવિધ નાણાંકીય જોગવાઈ કરાઈ છે. કિલોમીટર ઓછા કરવા ઝોન મુજબ ડેપો-ટર્મિનસ બનાવવાનું આયોજન કરવામાં આવશે, તેમ પણ પ્રસ્તાવિત કરવામા આવ્યું છે.
જોકે એક તરફ AMTS મોટી મોટી સુવિધાઓની વાત કરે છે ત્યારે બીજી તરફ ઘણા વ્યસ્ત રૂટ્સ પર ઓછી બસ દોડાવવામાં આવી રહી છે તેમ જ લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે એજન્સી પર દેવું પણ છે. એસી બસનો વિચાર અમદાવાદની ગરમીને લઈને સારો લાગે, પરંતુ તેના કરતા જરૂરી હોય તેવા રૂટ્સ પર વધારે અને નિયમિત બસ મૂકવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યા છે.