રૂ.1200 કરોડનું પેકેજ પણ વડોદરાવાસીઓના રોષને ઠારી શકયું નથી, હર્ષ સંઘવી બીજી વાર ગયા પણ…
અમદાવાદઃ જનતા જ્યારે ત્રણ ત્રણ દાયકાથી તમને મત આપી ચૂંટતી હોય ત્યારે જો તેમની પાયાની સુવિધાઓ પણ ન સચવાઈ અને જરૂર હોય ત્યારે સરકારના પ્રતિનિધિઓ ન ફરકે કે કામ ન આવે તો સ્વાભાવિક જનતાનો આક્રોશ સહન કરવો જ પડે. ગુજરાતમાં ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અને મોટાભાગના શહેરોમાં પણ વર્ષોથી પાલિકાઓમાં જીતતી આવતી ભારતીય જનતા પાર્ટીએ હાલમાં વડોદરાવાસીઓના રોષને સહન કરવાનો વારો આવ્યો છે. અહીં બે દિવસના વરસાદમાં શહેરના હાલ-બેહાલ થઈ ગયા છે ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેર કરેલા રૂ. 1200 કરોડના પેકેજથી પણ લોકોની નારાજગી દૂર થઈ નથી.
આ પણ વાંચો : Vadodara ની વિશ્વામિત્રી નદીના રિડેવલપમેન્ટ માટે 1200 કરોડના પેકેજની મંજૂરી
પૂર સ્થિતિ ઓસર્યા બાદ પણ ગૃહરાજ્ય પ્રધાને ફરી વડોદરાની મુલાકાત લેવી પડી હતી.
વડોદરામાં પૂરની સ્થિતિબાદ બીજીવાર હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરાની મુલાકાત લીધી છે. મોડીરાત્રિથી વહેલી સવાર સુધી તેઓ અનેક વિસ્તારોમા ફર્યા હતા. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી હતી. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઝોનલ મિટિંગ લીધી હતી.
આ પણ વાંચો : Vadodara માં હવે લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે ધારાસભ્યો અને કોર્પોરેટરો
તેમણે કહ્યું કે વડોદરામાં આખી રાત સફાઈ કર્મીઓ, વિવિધ પાલિકાની ટીમો કામે લાગી છે. મોટા ભાગનો કચરો દૂર કરવામાં સફળતા મળી છે. આજે મેં ઝોન વાઇઝ મિટિંગ લીધી છે, સૌ અધિકારીઓ-ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું. જે સોસાયટીઓની ફરિયાદ આવતી હતી, તેની વ્યવસ્થા કરાવી છે, આ બધી જ વ્યવસ્થા સુચારૂરૂપે થાય, વડોદરા એકદમ ચોખ્ખું શહેર ક્યારેય ન જોયું હોય તેટલું ચોખ્ખું થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Vadodara શહેરમાં પાણી ઓસરતા લોકોને રાહત, 10 બ્રિજને વાહન વ્યવહાર માટે ખોલી દેવાયા
છેલ્લા ત્રણ-ચાર દિવસથી વડોદરાવાસીઓ કોર્પોરેટર અને ધારાસભ્યો પર નારાજગી ઠાલવી રહ્યા છે. ધારાસભ્ય અને કોર્પોરેટરને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે હર્ષ સંઘવી તાબડતોબ પરિસ્થિતિને કંટ્રોલ કરવા વડોદરા દોડી આવ્યા છે તેનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.