નવી જંત્રી સામે બિલ્ડરો મેદાનમાં; ક્રેડાઈ-ગાહેડએ નોંધાવ્યો વિરોધ…
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રીદર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં હાલના ભાવ કરતાં બેથી ત્રણ ગણાનો વધારો જોવા મળ્યો છે. જેની સીધી અસર પ્રોપર્ટી ખરીદતા સમયે વર્તાશે. પહેલી એપ્રિલ, 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે. જેની સામે હવે ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત પોલીસના “સાથી” સ્નિફર ડોગ્સ; છ મહિનામાં જ ઉકેલી આપ્યા આઠ ગુના!
જંત્રીદરમાં વધારો સમયસર થવો જોઇએ
આ અંગે CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યારથી લઈને આજસુધી એટલે 12 વર્ષના ગાળામાં વધારો કરવામાં આવ્યો નથી. શહેરના વિકાસને જોતાં જંત્રીદરોમાં વધારો થવો જોઈએ પરંતુ તે સમયસર થવો જોઈએ. જ્યારે રાજ્ય સરકારે બાર વર્ષ સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નહિ અને હવે 2023માં માર્ચ મહિનામાં જંત્રી બેગણી કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
જંત્રીદરનો વધારો કરશે સીધી અસર
જે-તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી. અગાઉ રાજ્ય સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરીને જંત્રીદરમાં સુધારો કરીશું તેમ જણાવ્યું હતું. આ અંગે સરકારે દોઢ વર્ષ સુધી સર્વે અને સ્થળ પરિસ્થિતિ જોયા બાદ 20 નવેમ્બર 2024ના રોજ જે સૂચિત જંત્રીદર બહાર પાડ્યો છે એ બેથી ત્રણ ગણો છે. જંત્રીમાં વધારાની અસર ખેડૂતથી લઇને નાગરિક અને ડેવલપરોને અસર થાય છે. રાજ્યમાં 40,000 ઝોન છે અને લાખો વાર જમીન આવેલી છે.
આ પણ વાંચો : કચ્છના ઘોરાડ અભ્યારણમાં કેન્દ્રિય ટીમના ધામા: આ લુપ્ત થતાં પક્ષીને બચાવવાના ચાલી રહેલા પ્રયાસો
31 માર્ચ સુધીનો માંગ્યો સમય
જ્યારે રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી દર લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે વાંધા સૂચનો રજૂ કરવા માટે 90 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ સરકારે માત્ર 30 દિવસનો સમય આપ્યો છે. જો સરકારને સર્વે કરવામાં દોઢ વર્ષ લાગે તો વાંધા-સૂચનમાં 30 દિવસ કેવી રીતે આપી શકે તેની સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે 31 માર્ચ 2025 સુધીનો સમય માગ્યો છે.