નવી ઔદ્યોગિક નીતિ: ગુજરાતમાં ઉદ્યોગોએ પ્રોજેક્ટ ખર્ચના બે ટકા રકમ કૌશલ્ય વિકાસ પાછળ ફરજિયાત ખર્ચવી પડશે...
Top Newsઆપણું ગુજરાત

નવી ઔદ્યોગિક નીતિ: ગુજરાતમાં ઉદ્યોગોએ પ્રોજેક્ટ ખર્ચના બે ટકા રકમ કૌશલ્ય વિકાસ પાછળ ફરજિયાત ખર્ચવી પડશે…

ગાંધીનગરઃ ગુજરાત ડગલેને પગલે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે જેને લઈ રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરશે, જે અંતર્ગત તમામ નવા ઉદ્યોગોએ તેમના પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા બે ટકા રકમ કૌશલ્ય વિકાસ પાછળ ફરજિયાત ખર્ચ કરવી પડશે. આ નીતિમાં સેક્ટરની વિશેષ જરૂરિયાતોને આવરી લેવામાં આવશે અને ઉદ્યોગોને પ્રોત્સાહનો આપવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

એક કરોડ જેટલા કુશળ કામદારોની જરૂરિયાત પડશે
શ્રમ અને રોજગાર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગના સહયોગથી, રાજ્યભરમાં કૌશલ્ય વિકાસ વધારવા માટે અનેક પગલાં લેવાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોના મતે, ગુજરાત પોતાને અદ્યતન અને ભવિષ્યલક્ષી ઉદ્યોગોના કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે, જેના માટે ઉચ્ચ કુશળ કર્મચારીઓની જરૂર પડશે. એક અંદાજ મુજબ, 2030 સુધીમાં એક કરોડ જેટલા વધારાના કુશળ કામદારોની જરૂરિયાત રહેશે. જ્યારે સંબંધિત ઉદ્યોગો સક્રિયપણ ભાગ લેશે ત્યારે જ આટલી મોટી સંખ્યામાં કુશળ કામદારો મળી રહેશે.

પ્રોજેક્ટ ખર્ચના બે ટકા રોકાણ કરવાની જોગવાઈ કરાશે
વિવિધ ક્ષેત્રો માટેની તમામ ઔદ્યોગિક પ્રોત્સાહન નીતિઓમાં કૌશલ્ય વિકાસમાં રોકાણને પ્રોત્સાહિત કરવામાં આવે તેવી અપેક્ષા છે અને આવા રોકાણને પ્રોજેક્ટ ખર્ચના ભાગ તરીકે માન્યતા આપવામાં આવશે. 1,000 કરોડથી વધુના રોકાણ ધરાવતા ઉદ્યોગો સાથેના એમઓયુમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ ખર્ચના બે ટકા રોકાણ કરવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવશે. સત્તાવાર અંદાજ મુજબ, આગામી પાંચ વર્ષમાં રાજ્યના ઉદ્યોગો દ્વારા કર્મચારીઓને કૌશલ્ય તાલીમ, પુનઃકૌશલ્ય તાલીમ અને ઉચ્ચ કૌશલ્ય તાલીમ માટે ₹ 50,000 કરોડથી વધુનું રોકાણ થવાનો અંદાજ છે.

ગુજરાત સેક્ટર સ્કિલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરાશે
ઉદ્યોગો દ્વારા આંતરિક તાલીમ અને ઉચ્ચ કૌશલ્ય તાલીમ પાછળ થતો ખર્ચ, અમુક માપદંડોને આધીન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(સીએસઆર) જવાબદારીઓ હેઠળ ગણી શકાય છે. કંપની ધારાની જોગવાઈઓ હેઠળ સીએસઆર ફંડના 10થી 20 ટકા રકમ કૌશલ્ય તાલીમ પાછળ ખર્ચવી ફરજિયાત કરવાની એક નિશ્ચિત મર્યાદા પણ હોઈ શકે છે.
ઉદ્યોગો આ રોકાણોમાં મહત્તમ તાલમેલ સાધવા માટે શૈક્ષણિક અથવા કૌશલ્ય તાલીમ સંસ્થાઓ સાથે સહયોગ પણ કરી શકે છે. અદ્યતન અને ભવિષ્યલક્ષી ઉદ્યોગોની વિશિષ્ટ કૌશલ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સેક્ટર સ્કિલ ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવશે.

આ પણ વાંચો…મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાણાં મંત્રી નિર્મલાના કાર્યક્રમમાં ગેરહાજર, જાણો શું છે કારણ ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button