ગુજરાતમાં નવરાત્રી દરમ્યાન વાહન Accident થી ઈજાના કેસમાં વધારો, અમદાવાદમાં નવ લોકોના મોત
અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન વાહન અકસ્માતથી( Accident)ઈજાના કુલ 4489 કેસ નોંધાયા છે. આમ રોજના સરેરાશ 500 જેટલા કેસ નોંધાય છે. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાના રોજના સરેરાશ 423 કેસ નોંધાતા હોય છે. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ નવરાત્રિમાં વાહન અકસ્માતી ઈજાના કેસમાં 18 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરમાં નાના-મોટા મળી 40 અકસ્માત સર્જાયા હતા. જેમાં એક બાળકી સહિત નવ લોકોના મોત થયા હતા.
અકસ્માત સિવાયના ઈમરજન્સી કેસમાં ઘટાડો
ઈમરજન્સી સેવા 108 પાસેથી મળતી માહિતી મુજબ નવરાત્રિ દરમિયાન વાહન અકસ્માત સિવાય ઈમરજન્સીના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં હૃદયની ઈમરજન્સીના રોજના સરેરાશ 274 કેસ નોંધાતા હોય છે, જેની સરખામણીએ નવરાત્રિમાં સરેરાશ 262 કેસ નોંધાયા હતા. આ જ રીતે શ્વાસની ઈમરજન્સીના નવરાત્રિમાં કુલ 3578 સાથે રોજના સરેરાશ 398 કેસ સામે આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં નવરાત્રીમાં નવ લોકોના મોત
નવરાત્રિના પર્વ દરમિયાન અમદાવાદ શહેરમાં ટ્રાફિક જામ ન થાય અને અકસ્માતો રોકી શકાય તે માટે ટ્રાફિક પોલીસના 1800 જવાનને જુદા જુદા વિસ્તારમાં પોઈન્ટ ફાળવવામાં આવ્યા હતા. આમ છતાં અકસ્માતોની સંખ્યા ઘણી વધુ રહી હતી. પોલીસ ચોપડે નોંધાયા મુજબ અકસ્માતોમાં ચાર વર્ષની બાળકી ઉપરાંત ત્રણ આધેડ, એક મહિલા અને ચાર યુવક મૃત્યુ પામ્યા હતા. ટ્રાફિક પોલીસની માહિતી અનુસાર તમામ અકસ્માત નરોડા રોડ, નિકોલ કલ્યાણ ચોક, કઠવાડા રોડ, એસપી રિંગ રોડથી ગામડી તરફનો રોડ, બલોલનગરથી રાણીપ રોડ, જીવરાજ પાર્કથી શ્યામલ રોડ, એસજી હાઈવે પર હેબતપુર નજીક, હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર જેવા સ્થળોનો સમાવેશ થાય છે.