Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે

અમદાવાદઃ આસો નવરાત્રિ(Navratri) શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 3જી ઓકટોબરથી નવરાત્રિ પ્રારંભ થશે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમ્યાન નિજ મંદિરના દ્વાર દર્શનર્થીઓ માટે મંદિરના દ્વારના ખોલવાના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 વાગે ખુલશે
નવરાત્રિ દરમ્યાન અહીં આવનારા દર્શનર્થીઓ સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે નિજ મંદિરના દ્વાર નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે વહેલા ખોલવામાં આવનાર છે. આ પંદર દિવસમાં પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે 4:00 કલાકે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 કલાકે બંધ કરવામાં આવશે.
10 દિવસ નિજ મંદિરના દ્વાર સવારે 5:00 વાગ્યે ખોલશે
જ્યારે 10 દિવસ માટે નિજ મંદિરના દ્વાર સવારે 5:00 વાગ્યે ખોલવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યે બંધ કરવામાં આવનાર છે. 3જી ઓક્ટોબર અને એકમના દિવસે, 6ઠ્ઠી ઓક્ટોબરના ત્રીજના દિવસે, 11મી ઓક્ટોબર આઠમના દિવસે, 13મી ઓક્ટોબરના દસમના દિવસે અને 17મી ઓક્ટોબર પૂનમના દિવસે નીજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે ખોલવામાં આવશે. જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5:00 કલાકે ખોલવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવમાં આવ્યું છે.