આપણું ગુજરાત

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિ.એ પ્રાકૃતિક કૃષિમાં બાવીસ સંસ્થા સાથે એમ.ઓ.યુ. કર્યા

અમદાવાદ: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૨૨ સંગઠન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ.થી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા પણ વધુ સુદૃઢ થશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, એમ.ઓ.યુ સામાન્ય એમ.ઓ.યુ. નથી. આ પર્યાવરણની રક્ષાના એમ.ઓ.યુ. છે. જળ વ્યવસ્થાપનના એમ.ઓ.યુ. છે. ધરતીની ફળદ્રુપતા વધારવા માટેના એમ.ઓ.યુ. છે. ભારતીય નસલની દેશી ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટેના એમ.ઓ.યુ. છે. ખેડૂતોને અને જનઆરોગ્યને બરબાદ થતાં બચાવવા એમ.ઓ.યુ. છે. રાજ્યપાલે કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ માટે ૨૪ ટકા જવાબદાર રાસાયણિક ખેતી છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડના બેફામ ઉપયોગથી ફળ, શાકભાજી, અનાજ દૂષિત થઈ ગયા છે, પરિણામે જીવલેણ રોગો વધ્યા છે અને જન આરોગ્ય પર ગંભીર અસરો થઈ છે. આ એમ.ઓ.યુ.થી સમાજમાં વિશેષ જાગૃતિ આવશે અને ખેડૂતોની તથા લોકોની માનસિકતા બદલાશે.

રાજભવનમાં આયોજિત આ સમારોહમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટિંબડિયા, મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ, રાહુરી, મહારાષ્ટ્રના કુલપતિ ડૉ. પી. જી. પાટીલ, કૃષિ નિયામક એસ. જે. સોલંકી, આત્માના નિયામક પ્રકાશ રબારી, પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા, બાગાયત નિયામક ડૉ. પી. એમ. વઘાસિયા અને વિવિધ સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button