ગુજરાતમાં પણ રાજભવનનું નામ બદલાયું, હવે લોકભવન તરીકે ઓળખાશે

ગાંધીનગર : ગુજરાતમાં પણ રાજભવનનું નામ બદલવામાં આવ્યું છે. જેમાં હવે રાજભવનને લોકભવન તરીકે ઓળખવામાં આવશે. આ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં ગુજરાત રાજભવનનું નામ હવે સત્તાવાર રીતે “લોક ભવન” રાખવામાં આવ્યું છે. આ પગલું લોક ભવનને વધુ જનસંપર્કક્ષમ, પારદર્શક અને લોકોના કલ્યાણને અર્પિત બનાવવાના ઉદ્દેશ સાથે જનચેતનાની નવી દિશા રજૂ કરે છે.
સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે
જેમાં હવે “લોક ભવન” તરીકે ઓળખાતું આ ભવન હવે માત્ર રાજ્યપાલનું નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું જ નથી. પરંતુ રાજ્યના નાગરિકો, સમાજના વિવિધ વર્ગો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિકારો અને નાગરિક સંગઠનો સાથે સંવાદ અને સહભાગીતાનું જીવંત કેન્દ્ર બની રહેશે.
લોકભવનનું મૂળતત્ત્વ જનતા સર્વોપરી
આ અંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, લોકભવન નું મૂળતત્ત્વ છે જનતા સર્વોપરી. આ ભવન સરકાર અને રાજ્યના લોકો સાથે સેવા અને સહકારના સંવાદનો સેતુ બને એ જ આ પરિવર્તનનો મુખ્ય હેતુ છે. રાજભવન માત્ર બંધારણીય જવાબદારીઓ સુધી સીમિત ન રહે, પરંતુ સમાજના કલ્યાણ, આશાઓ અને સમસ્યાઓ સાથે જીવંત રીતે જોડાય એ જ સાચા અર્થમાં લોક ભવન છે.
જનસેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે
રાજ્યપાલએ ઉમેર્યું કે, છેલ્લા વર્ષોમાં ગુજરાત રાજભવન દ્વારા અનેક લોકકલ્યાણકારી પ્રયાસો હાથ ધરાયા છે. જેમ કે પ્રાકૃતિક ખેતીનું રાષ્ટ્રવ્યાપી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણનું મજબૂતીકરણ, યુવાનો અને શોધાર્થીઓ સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિવાસી વિકાસને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ. આ નિર્ણય રાજ ભવનના જનસેવાલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવશે.



