ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા…

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. આજે સવારના ૬ થી ૮ વાગ્યાના ટૂંકા ગાળામાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજકોટમાં બે કલાકમાં જ ૧.૬૫ ઇંચ વરસાદ પડ્યો હતો. તે સિવાય બોટાદ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો હતો,જેના કારણે ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં પડેલો વરસાદ
નં. | જિલ્લો | તાલુકા | વરસાદ (ઇંચમાં) |
1 | રાજકોટ | રાજકોટ | 1.65 |
2 | અમદાવાદ | ધંધુકા | 1.61 |
3 | આણંદ | પેટલાદ | 1.57 |
4 | બોટાદ | બરવાળા | 1.5 |
5 | બોટાદ | રાણપુર | 1.06 |
6 | અમદાવાદ | ધોલેરા | 0.83 |
7 | અમરેલી | લાઠી | 0.75 |
8 | જુનાગઢ | માળીયા (હા.) | 0.75 |
લાઠીદડ ગામે ઇકો કાર વોકળામાં તણાઈ
ભારે વરસાદના કારણે બોટાદ જિલ્લામાં ગંભીર ઘટના બની છે. બોટાદના લાઠીદડ ગામે એક ઇકો કાર વોકળામાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર આઠ લોકો પૈકી બેનો બચાવ થયો છે, જ્યારે અન્ય ૬ લોકો લાપતા હોવાની વિગતો સામે આવી છે. હાલ રાહત અને બચાવ કામગીરી હાલ ચાલી રહી છે. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 9 જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર
ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર અને બોટાદ જિલ્લા માટે નાઉકાસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો હતો. બોટાદના ગઢડામાં સવારે ચાર વાગ્યા સુધીમાં 13.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય ભાવનગરના પાલિતાણામાં 11.85 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય સિહોરમાં 11.57 ઇંચ અને જેસરમાં 10.71 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
આપણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ મુખ્ય પ્રધાને શું આપી સૂચના?