રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ
રાજ્યના તમામ ઝોનમાં 70 ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૭૮.૯૯ ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં ૭૮.૮૧ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૬.૩૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૪.૬૭ ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં ૭૧.૯૭ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
૭૦ ડેમ હાઈ એલર્ટ પર
સ્ટેટ ઇરમજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૩૭ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૬ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૩૬ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૩૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૯ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૭૦ ડેમ હાઈ એલર્ટ, ૩૫ ડેમ એલર્ટ તથા ૧૬ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતને પાંચ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ
૨૪ કલાકમાં પાંચ તાલુકાઓમાં ૧૩ ઇંચ સુધી વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકાઓમાં ૧૩ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૧૩ ઇંચથી વધુ, કેશોદ તાલુકામાં ૧૧ ઇંચથી વધુ, વંથલી તાલુકામાં ૧૦ ઈંચથી વધુ તેમજ પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૦ ઇંચ અને નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સ્થિતિમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે.