ગુજરાતમાં 16 આની ચોમાસું રહેવાની શક્યતા: 50 થી વધુ આગાહીકારનું તારણ…

જુનાગઢઃ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 31મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં રાજ્યભરના 50થી વધુ પરંપરાગત આગાહીકારોએ વર્ષ 2025 માટે ચોમાસાની આગાહી કરી હતી. મોટાભાગના આગાહીકારોના મતે 7 જૂનથી વરસાદની શરૂઆત થશે. તેમજ જુલાઈમાં તોફાની સિસ્ટમ સક્રિય બનશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં ખેડૂતોની ચિંતા વધી શકે છે.

સંમેલનમાં એકત્રિત થયેલા મોટાભાગના આગાહીકારોના મતે વર્ષ 2025 ‘સોળ આની’ એટલે કે, પૂરતો વરસાદ આપનારું વર્ષ બનશે. ઓગસ્ટમાં થોડો ખેતરસ માટે દોરાવાળો સમય જરૂર આવશે, પરંતુ સમગ્ર વર્ષે પાક માટે અનુકૂળ માહોલ રહેશે. આગાહીકારોએ પશુપંખીઓના વર્તન, આકાશીય પરિવર્તન, ભડલી વાક્ય અને ખગોળીય સંકેતોના આધારે અનુમાન કર્યું હતું.
જો કે આગાહીકારોનું માનવું હતું કે, વરસાદ વધારે પડશે પરંતુ તોફાની વરસાદ રહેવાની સાથે સાથે વિજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો થશે. ઘણા વર્ષોથી નહીં પડી હોય તેટલી વીજળી પડશે, જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થશે. આ ઉપરાંત વરસાદ તો વધુ પડશે પરંતુ ચોમાસુ તોફાની રહેવાના કારણે પાકને નુકસાન પણ તેટલું જ થશે. જેથી ખેડૂતોને ધાર્યા પરિણામ નહીં મળે તેવું પણ કેટલાક આગાહીકારોનું કહેવું હતું.
સિઝનમાં કુલ 48-52 ઇંચ વરસાદ પડશે અને 13 આની વરસાદની આગાહી એક પ્રાકૃતિશાસ્ત્રીએ કરી હતી. તેમણે જો કે પાક અંગે ચોંકાવનારી આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં વરસાદની ખેંચ પડશે. જેના કારણે પાક 100 ટકા નહીં પરંતુ 70 થી 80 ટકા જ થશે. તમામ આગાહીકારો એક બાબતે સંમત થયા હતા કે, વરસાદ વધુ પડશે પરંતુ તોફાની પડશે જેના કારણે પાકને નુકસાન જરૂર થશે. આ ઉપરાંત બે તોફાન પણ આવે તેવી શક્યતા છે. ઓગસ્ટની આસપાસનાં દિવસોમાં વરસાદની ખેંચ પડી જાય તેવી પણ શક્યતા છે. ઓક્ટોબરમાં ચોમાસું વિદાય લેશે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વી.પી. ચોવટિયાએ જણાવ્યું હતું કે, આગાહીકારોના પરંપરાગત મંતવ્યો અને હવામાન વિભાગના આધુનિક સેટેલાઈટ ડેટા મુજબ આ વર્ષે ચોમાસું પ્લસ રહેશે. હવામાન વિભાગે 104 ટકા વરસાદની આગાહી કરી છે. કૃષિ યુનિવર્સિટીની અંદર થઈ રહેલી દિશાસૂચક ચર્ચાઓ પણ એ જ બતાવે છે કે વર્ષ 2025 સોળઆની ચોમાસાનું સાબિત થશે.