શ્રાવણના પ્રારંભે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યના ૧૭૭ તાલુકામાં વરસાદ, દસક્રોઈમાં ૧૦ ઇંચથી વધુ | મુંબઈ સમાચાર

શ્રાવણના પ્રારંભે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: રાજ્યના ૧૭૭ તાલુકામાં વરસાદ, દસક્રોઈમાં ૧૦ ઇંચથી વધુ

અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનાની શરૂઆતની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરી હતી અને સતત બે દિવસથી રાજ્યણા અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શનિવાર રાતથી જ વરસાદ પડી રહ્યો હતો, રવિવારસાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૭૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આ રાઉન્ડમાં અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 10.12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

રાજ્યના ૧૭૭ તાલુકાઓમાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગર તરફથી આપવામાં આવેલી વિગતો અનુસાર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના ૧૭૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 10.12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જયારે ખેડા જિલ્લાના પાંચ તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. નડીયાદમાં 8.74 ઇંચ, મહેમદાવાદમાં 8.5 ઇંચ, માતરમાં 7.17 ઇંચ, મહુધામાં 5.79 ઇંચ, વસોમાં 5.51 ઇંચ, કઠલાલમાં ૫.૩૧ ઇંચ અને ખેડામાં ૪.૬૫ ઇંચ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા મુશળધારઃ અમદાવાદના દસક્રોઈમાં 9.5 ઇંચ વરસાદ, મુખ્ય પ્રધાને પરિસ્થિતિની કરી સમીક્ષા

અન્ય ક્યા તાલુકાઓમાં વરસાદ?

તે ઉપરાંત ઉમરેઠમાં ૪.૫૩ ઇંચ, બાવળામાં ૩.૮૬ ઇંચ, ધોળકામાં ૩.૫૮ ઇંચ, ગળતેશ્વરમાં ૩.૪૬ ઇંચ વરસાદ પડ્યો હતો. ભિલોડામાં ૩.૩૯ ઇંચ, પાટણમાં ૩.૩૫ ઇંચ, ભાભરમાં ૩.૨૩ ઇંચ, સાણંદમાં ૩.૧૧ ઇંચ, ડેસરમાં ૩.૦૩ ઇંચ, સુબીરમાં ૨.૯૫ ઇંચ, બોરસદમાં ૨.૯૧ ઇંચ, કાંકરેજમાં ૨.૮૭ ઇંચ, વઘઈમાં ૨.૮ ઇંચ, કપડવંજમાં ૨.૭૬ ઇંચ, આણંદમાં ૨.૬૪ ઇંચ, વાંસદા અને ઠાસરામાં ૨.૫૨ ઇંચ, સિદ્ધપુરમાં ૨.૪ ઇંચ, સરસ્વતીમાં ૨.૩૨ ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી દસ જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button