ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ: ૨૨૦ તાલુકાઓમાં ધોધમાર વરસાદ, અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ…

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગઇકાલે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટના ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી છે. સવારે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.
220 તાલુકાઓમાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર તારીખ ૧૬/૦૬/૨૦૨૫ના સાંજે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૧૭/૦૬/૨૦૨૫ના સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો હતો. બોટાદના ગઢડામાં સવારે ચાર વાગ્યા સુધીમાં 13.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય ભાવનગરના પાલિતાણામાં 11.85 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય સિહોરમાં 11.57 ઇંચ અને જેસરમાં 10.71 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
રાતના સમયે પણ મેઘરાજાની બેટિંગ
ગઇકાલે દિવસે પડેલા વરસાદ બાદ રાતના સમયે પણ મેઘરાજાની બેટિંગ ચાલુ રહી હતી. બોટાદમાં રાતના 2થી 4 વાગ્યાની વચ્ચે જ 3.89 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. તે સિવાય આ સમયગાળા દરમિયાન ગઢડામાં 2.36 ઇંચ વરસાદ પડ્યો હતો. વલભીપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ૧૬/૦૬/૨૦૨૫ના સાંજે ૦૬:૦૦ વાગ્યાથી લઈને ૧૭/૦૬/૨૦૨૫ના સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના 6 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.
આજે પણ વરસાદની આગાહી
આ દરમિયાન હવામાન વિભાગે આજે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર અને બોટાદ જિલ્લા માટે નાઉકાસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ભાવનગર, અમરેલી, વલસાડ, નવસારી અને સુરત જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, તાપી, ડાંગ, રાજકોટ, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.