આજે ફરી 24 દિવસ બાદ આ જિલ્લાઓમાં મોકડ્રિલ! જાણો કેટલા વાગે થશે બ્લેકઆઉટ?

અમદાવાદઃ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કર્યો હતો. જેનો ભારત ઓપરેશન સિંદૂર હેઠળ બદલો પણ લીધો હતો. ભારતે પાકિસ્તાન પર 7મી મેની રાત્રે પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. તે દિવસે ગુજરાતના 20 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યા હતા. આજે તમારા વિસ્તારમાં જો સાયરન વાગે તો ગભરાતા નહીં કારણ કે, 24 દિવસ બાદ ફરી આજે સિવિલ ડિફેન્સ દ્વારા ગુજરાતના સરહદી વિસ્તારો સહિત 20 જિલ્લામાં ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોકડ્રિલ અને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ 20 જિલ્લાઓમાં મોકડ્રિલ-બ્લેકઆઉટ રાખવામાં આવશે
પાટણ, નવસારી, વડોદરા, સુરત, જામનગર, ખેડા, રાજકોટ, મહીસાગર, કચ્છ, વલસાડ, દાહોદ, અમરેલી, ગાંધીનગર, તાપી, આણંદ, બનાસકાંઠા, જૂનાગઢ, અમદાવાદ, સુરેન્દ્રનગર અને ગોધરા (પંચમહાલ)માં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ અને બ્લેક આઉટ રાખવામાં આવશે. સમયની વાત કરવામાં આવે તો, આજે સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવશે.
ક્યા જિલ્લામાં કેટલા વાગ્યે બ્લેકઆઉટ રહેશે
જિલ્લો સમય | જિલ્લો સમય |
પાટણ 8:00થી 8:30સુધી | વલસાડ 8:00થી 8:30સુધી |
નવસારી 8:00થી 8:30સુધી | દાહોદ 8:00થી 8:15સુધી |
વડોદરા 7:30થી 7:45સુધી | અમરેલી 8:00થી 8:30સુધી |
સુરત 8:00થી 8:30સુધી | ગાંધીનગર 8:00થી 8:30સુધી |
જામનગર 8:00થી 8:30સુધી | આણંદ 7:30થી 7:45સુધી |
ખેડા 8:00થી 8:15સુધી | બનાસકાંઠા 7:45થી 8:15સુધી |
રાજકોટ 8:30થી 8:45સુધી | જૂનાગઢ 8:30થી 9:00સુધી |
તાપી 8:00થી 8:15સુધી | અમદાવાદ 7.45થી 8.15સુધી |
મહીસાગર 8:00થી 8:15સુધી | સુરેન્દ્રનગર 8:00થી 8.30સુધી |
કચ્છ 8:00થી 8:30સુધી | ગોધરા 8.00થી 8.15સુધી |
5 વાગ્યે નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે
નોંધનીય છે કે, તારીખ 29મીના યોજાનારી મોકડ્રિલ મોકૂફ રાખવામાં આવી હતી. તે મોકડ્રિલ હવે આજે 31મીએ યોજાવાના છે. સરહદી જિલ્લા બનાસકાંઠાની વાત કરવામાં આવે તો, અહીં સાંજે 5 વાગ્યે નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે, જ્યારે વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે 7.45 કલાક થી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રાખવામાં આવશે. પાટણ જિલ્લાની કુલ 18 જગ્યાએ સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડ સાંજે પાંચ વાગે સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ યોજાશે. રાતના 8 થી 8.30 કલાક દરમિયાન સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે.
પાટણમાં આ જગ્યાએ બ્લેક આઉટ રાખવામાં આવશે
પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો, પાટણ નગરપાલિકા, ચાણસ્મા નગરપાલિકા, BPCL ટર્મિનલ, સિધ્ધપુર, IOCL ટર્મિનલ, સિધ્ધપુર, GIDC સિધ્ધપુર, રાધનપુર નગરપાલિકા, IOCL પાઇપલાઇન યુનિટ, રાધનપુર, HPCL પંપીંગ સ્ટેશન, સાંતલપુર, સિધ્ધપુર નગરપાલિકા, હારીજ નગરપાલિકા અને બોર્ડર પરના આઠ ગામો એમ કુલ 18 જગ્યાએ બ્લેક આઉટ રાખવામાં આવશે. ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે 5.30 કલાકે મોકડ્રિલ યોજવામાં આવશે.