સોશિયલ મીડિયાની આડઅસરઃ અરવલ્લીમાં ધો. 5માં ભણતી બાળકી ઘર છોડીને 16 વર્ષના પ્રેમી સાથે ભાગી જતા ખળભળાટ
ધનસુરાઃ માત્ર ગુજરાત જ નહીં દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા (social media) પર વધારે સમય ગાળતાં હોય છે. જેના કારણે તેઓ ભટકી જતા હોય છે. સોશિયલ મીડિયાની આડ અસરનો એક ચોંકાવનારો કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો હતો.
શું છે મામલો
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામમાં ધોરણ 5માં ભણતી બાળકીને સોશિયલ મીડિયા મારફતે એક સગીર વયના બાળક સાથે પ્રેમ થતા બન્ને જણા ભાગી ગયા હતા. આ મામલે ગત 31 ડિસેમ્બરના રોજ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સોર્સની મદદથી બંનેને શોધી કાઢ્યા હતા. ભાગનાર બન્ને સગીરોએ અન્ય 3 કિશોરીઓની મદદ લીધી હતી અને ફરાર થયા હતા, પોલીસે પોકસો અને અપહરણનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં વધુ ગંભીર બાબત એ બની હતી કે સગીરે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને 16 વર્ષના કિશોરને મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવામાં આવ્યો હતો.
બાળકીના અપહરણમાં અનેક ખુલાસા થયા હતા. ઈન્સ્ટાગ્રામ-સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકી અને સગીર પ્રેમમાં પડ્યા હતા અને બાદમાં ઘર છોડીને ભાગી ગયા હતા. પોલીસ દ્વારા ભોગ બનનાર બાળકીના માતા-પિતાની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી અને તેની સગીર બહેન તેમની માતાના મોબાઈલનો ઉપયોગ કરતી હતી. બંને બહેનોએ મોબાઈલમાં કુલ 7 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા, જેમાંથી 5 બંધ છે અને 2 ચાલુ હતા. આ બે ચાલુ એકાઉન્ટમાંથી, 10 વર્ષની બાળકી 16 વર્ષના એક સગીરના સંપર્કમાં આવી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે બાળકીનું અપહરણ આ સગીર દ્વારા જ કરવામાં આવ્યું હતું.
Also read: સોશિયલ મીડિયાનો વધુપડતો વપરાશ વાસ્તવિકતાથી પલાયન થવાનું માધ્યમ છે?
ઉલ્લેખનીય છે કે ગુજરાત તથા દેશમાં બનવા આવા બનાવો રોકવા 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલવા માટે તેમના માતાપિતાની સંમતિ લેવી ફરજિયાત રહેશે. આ માટે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, 2023ના ડ્રાફ્ટ નિયમને ધ્યાનમાં રાખીને 3 જાન્યુઆરી, 2025ના રોજ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જે મુજબ સરકારના નાગરિક જોડાણ પ્લેટફોર્મ MyGov.in દ્વારા લોકોને આ ડ્રાફ્ટ નિયમો પર તેમના વાંધાઓ અને સૂચનો જણાવવા આમંત્રિત કરવામાં આવ્યા છે. લોકોએ આપેલા પ્રતિસાદને ધ્યાને લઈને 18 ફેબ્રુઆરી 2025 પછી આ મુદ્દે વિચાર કરવામાં આવશે.