આપણું ગુજરાત

BLOની કામગીરી શિક્ષકોની ‘ફરજ’ છે અને કામ કરવું જ પડશે, જાણો ગુજરાત સરકારના કયા પ્રધાને આપ્યું નિવેદન

ભરૂચઃ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લાના પ્રભારી પ્રધાન અને રાજ્યકક્ષાના પાણી પુરવઠા અને જળ સંપત્તિ પ્રધાન ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ઇશ્વરસિંહ પટેલે BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ BLOને સહકાર આપી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, BLOની કામગીરી તેમની ફરજ છે અને તે તેમણે કરવું જ પડશે. 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની હોવાથી કામગીરી ઝડપી કરવી પડશે.

ચૈતર વસાવાએ શું કહ્યું?

આ બેઠકમાં ડેડીયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ BLOની કામગીરી અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ તેમજ જંગલના રસ્તાઓ, એસઆઈઆર સંબંધિત મુદ્દાઓ વિશે સવાલો ઉઠાવ્યાં હતા. ચૈતર વસાવાએ ખાસ રજૂઆત કરી હતી કે, બીએલઓને કામગીરી બાબતે વધુ પડતું પ્રેશર ન આપવામાં આવે અને તેમની રજૂઆતોને સાંભળવામાં આવે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર હાઈવે અને રેલવે ટ્રેક નજીક ગ્રીન કવર વધારશે

BLOની કામગીરી ફરજિયાત છે: ઈશ્વરસિંહ પટેલ

પ્રભારી પ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, BLOની કામગીરી ફરજિયાત છે, ત્યારે તેમણે મતદારોને પણ અપીલ કરી હતી કે તેઓ ચૂંટણી પંચની આ કામગીરીમાં સહકાર આપે, જેથી મતદાર યાદી સુધારણાનું કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે.

આ ઉપરાંત, ચૈતર વસાવાએ મનરેગાની કામગીરી શરૂ કરવા અને બસો માટે બંધ થયેલા રસ્તાઓને ફરી શરૂ કરવા માટે પણ માગણી કરી હતી. રસ્તાઓના પ્રશ્ન પર સ્પષ્ટતા કરતા પ્રધાનએ જણાવ્યું હતું કે, છ મહિના સુધી વરસાદ પડવાના કારણે રસ્તાઓ ડેમેજ થયા હતા અને તેનું રિપેરિંગ વહેલી તકે ચાલી રહ્યું છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, તમામ ઉચ્ચ અધિકારીઓ, તેમજ ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં BLOની કામગીરી કરતાં ત્રણ શિક્ષકોના ચાર દિવસમાં મોત

રાજ્યમાં BLOની કામગીરીના ભારણને કારણે ચાર દિવસમાં ત્રણ શિક્ષકોના મૃત્યુ થયા હતા. આજે ગુજરાતમાં SIRની કામગીરી દરમિયાન વધુ એક બુથ લેવલ ઓફિસરનું કરૂણ મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો. વડોદરામાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન સોલંકી અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી અચાનક ઢળી પડ્યા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાત સરકારે ખેડૂતો માટે શું લીધો વધુ એક મોટો નિર્ણય? જાણો વિગત

આ પહેલા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી હતી. શિક્ષકે વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. તેમના પરિવારજનો કામના ભારણથી તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત BLO સહાયક તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button